Published in the Sunday Mumbai Samachar on 17 March, 2024
હું હંમેશાં બધાને કહું છું કે ભારત નિશ્ર્ચિત જ અતુલનીય છે. જો તમે તે વિશે વિચારતા હોય તો ભારતનાં ચાર સૌથી દૂરનાં સ્થળો-ઉત્તરમાં સિયાચેન ગ્લેશિયર, દક્ષિણમાં ઈન્દિરા પોઈન્ટ, પૂર્વમાં કિબિથૂ અને પશ્ર્ચિમમાં ગુહારમોતી વિશાળ અંતર સુધી પ્રસરેલા છે અને વૈવિધ્યપૂર્ણ નૈસર્ગિક સૌંદર્ય ધરાવે છે. સૌથી ઉત્તરીય સ્થળથી સૌથી દક્ષિણીય સ્થળ સુધી અંતર લગભગ 3000 કિલોમીટર છે, જે આપણા દેશના વિશાળ ઊભા વિસ્તારનો દાખલો છે. આ જ રીતે સૌથી પૂર્વીય સ્થળથી સૌથી પશ્ર્ચિમી સ્થળ સુધી દેશ આશરે 3000 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે, જે ભારતના વિશાળ આડા વિસ્તારનો પ્રસાર દર્શાવે છે. આ સ્થળો વચ્ચે અંતર ભારતના પ્રદેશોની વિપુલતા અને આપણા ભૂગોળ અને સંસ્કૃતિની વૈવિધ્યતાનો દાખલો છે.ભારતની આ ખૂબીઓમાં વોટરફોલ્સ પણ ઘણા બધા છે!
ભારત દુનિયામાં અમુક સૌથી અદભુત વોટરફોલ્સનું ઘર છે. કર્ણાટકમાં ઊંચાઈ પરથી વહેતા જોગ ફોલ્સથી લઈને મેઘાલયમાં નોહકલિકાય ફોલ્સના નૈસર્ગિક સૌંદર્ય સુધી દેશના વ્યાપક ભૂગોળમાં ફેલાયેલી આ નૈસર્ગિક અજાયબીઓ પાસે પોતાની મજેદાર વાર્તા છે. ભારતમાં વોટરફોલ્સ ફક્ત પર્યટકોનું આકર્ષણ નથી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણનો તે હિસ્સો છે, જે તેમના પ્રદેશની જૈવવૈવિધ્યતામાં નોંધપાત્ર રીતે યોગદાન આપે છે.
તો આજે આપણે ભારતમાં જળધોધનો રોમાંચક પ્રવાસ કરીને દરેક વોટરફોલને અજાયબી બનાવતી અજોડ વિશિષ્ટતાઓમાં ડોકિયું કરીશું.તમે સાહસિક હોય, નિસર્ગપ્રેમી કે નૈસર્ગિક સૌંદર્યની શાંતિ માણવા માગતા હોય, ભારતના વોટરફોલ્સ દરેક માટે કશુંક ધરાવે છે. તો ચાલો,આ અદભુત નૈસર્ગિક અજાયબીઓના વિશ્ર્વમાં ડૂબકીઓ લગાવીએ અને તેમના સૌંદર્ય અને મનોહરતાની ખોજ કરીએ.
સૌપ્રથમ ઉત્તરીય ભારત સાથે શરૂઆત કરીએ. ઉત્તરીય પ્રદેશ ખાસ કરીને હિમાલયની આસપાસ અમુક અદભુત વોટરફોલ્સ માટે ઘર છે.આ વોટરફોલ્સ મોટે ભાગે પીગળતા બરફ અને ગ્લેશિયર્સમાંથી ઉદભવે છે, જે તેમને ખાસ કરીને વસંતઋતુ અને ઉનાળાના વહેલા દિવસોમાંઅદભુત બનાવે છે. ઉત્તરાખંડમાં યમુના ફોલ્સ તેનો ઉત્તમ દાખલો છે, જ્યાં ટેકરી પરથી નીચે પડતો જળધોધ મંત્રમુગ્ધ કરનારો નજારો આપે છે.
હિમાલચલ પ્રદેશના મનાલી નજીક જોગિની ફોલ્સ વધુ એક દાખલો છે. મનાલીમાં વશિષ્ઠ મંદિરથી તે ટૂંકો ટ્રેક છે, જે મુલાકાતીઓને ખીણના નયનરમ્ય નજારાથી ઘેરાયેલાં ઠંડાં ઠંડાં પાણીમાં ડૂબકીઓ લગાવવા લલચાવે છે. હિમાચલ પ્રદેશમાં વધુ એક નોંધનીય સ્થળ મેકલિયોડ ગંજમાં સ્થિત ભગ્સુ વોટરફોલ છે, જે અદભુત સ્થળ હોવા સાથે સ્થાનિક સમુદાયો માટે આધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે. વોટરફોલ ભગ્સુ મંદિરથી થોડુંચાલ્યા પછી આવે છે, જે આધ્યાત્મિકતા અને નૈસર્ગિક સૌંદર્યનું ઉત્તમ સંયોજન છે.
હવે દક્ષિણ તરફ વળીએ. દક્ષિણીય ભારત હરિયાળા નૈસર્ગિક સૌંદર્ય અને ભરપૂર વરસાદ માટે પ્રસિદ્ધ છે, જે અદભુત વોટરફોલ્સ માટે ઉત્તમ સ્થિતિ નિર્માણ કરે છે. કર્ણાટકમાં જોગ ફોલ્સ ભારતનો સૌથી ઊંચો અને સૌથી પ્રસિદ્ધ વોટરફોલ છે, જેનો ધોધ નાટકીય રીતે વિઘટિત સ્વરૂપમાં નીચે વહીને મંત્રમુગ્ધ કરનારો નજારો નિર્માણ કરે છે. તે 830 ફીટ સાથે ભારતનો સૌથી ઊંચો વોટરફોલ છે. આ પ્રતિકાત્મક સ્થળ છે, જ્યાં શરાવથી નદી ચાર જિલ્લાના જળધોધ- રાજા, રાણી, રોવર અને રોકેટમાં ઊંડી ખીણમાં છલાંગ લગાવે છે. ઘણા બધા અન્ય વોટરફોલ્સથી વિપરીત જોગ ફોલ્સનો ધોધ ખડકોની ઉપરથી નીચે વહેતો નથી, પરંતુ તે એક-એક ટીપામાં નીચે કૂદે છે, જે અદભુત નજારો બને છે.
કેરળમાં અથિરાપિલ્લી ફોલ્સ મોટે ભાગે ‘ભારતનો નાયગરા’ તરીકે ઓળખવામાં આવે છે. આ કેરળનો સૌથી વિશાળ વોટરફોલ છે અને તેને ઉષ્ણકટિબંધીય જંગલ વચ્ચે વહેતા જળધોધની તેની વ્યાપકતા સાથે નયનરમ્ય સ્થળ બનાવે છે. દક્ષિણ ભારતમાં વધુ એક નોંધપાત્ર વોટરફોલ તામિલનાડુનો કોર્ટલ્લમ ફોલ્સ છે, જે ‘દક્ષિણનો સ્પા તરીકે પ્રસિદ્ધ છે. તે તેના ઔષધીય ગુણો માટે પ્રસિદ્ધ છે. ઘણા બધા મુલાકાતીઓને તે આકર્ષે છે. આ જળધોધ જડીબુટ્ટીઓનાં જંગલો થકી પસાર થઈને ખડકોની નીચે વહે છે, જે નૈસર્ગિક, ઉપાયાત્મક અનુભવ પ્રદાન કરે છે.
ભારતના પૂર્વીય અને ઈશાન ભાગો તેમના ટેકરીવાળા માર્ગે અને ભારે વરસાદથી ઓળખાય છે, જે અમુક અજોડ અને અંતરિયાળ વોટરફોલ્સ રચે છે. ચેરાપુંજી નજીક નોહકલિકાય ફોલ્સ પૃથ્વી પરનાં સૌથી ભીનાં સ્થળમાંથી એક છે. તે દેશનો સૌથી ઊંચાઈ પરથી વહેતો જળધોધ છે. 1115 ફીટની ઊંચાઈથી નીચે આવતો આ જળધોધ ખાસ કરીને ચોમાસામાં અત્યંત શક્તિશાળી બનીને અદભુત નજારો પ્રદાન કરે છે. ગોવા-કર્ણાટક સીમા પર દુગ્ધસાગર ફોલ્સ 310 મીટરની ઊંચાઈ પરથી વહેતો ભારતનો વધુ એક સૌથી ઊંચો વોટરફોલ છે. આ જળધોધ બોલીવૂડની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ માં જોવા મળ્યો હતો. પહાડીઓ થકી વહેતો આ જળધોધ દૂધનો ધોધ હોય તેવો આભાસ કરાવે છે, જેથી તેને ‘દુગ્ધસાગર’ નામ અપાયુંં છે. આ પ્રદેશમાં ઘણા બધા વોટરફોલ્સનું અંતરિયાળપણું તેમના ચમત્કારી અને નયનરમ્ય નજારામાં ઉમેરો કરે છે, જેથી સાહસિક પ્રવાસીઓ અહીં વધુ આકર્ષાય છે.
પશ્ર્ચિમી ભારતની વાત કરીએ તો સૌથી ઉલ્લેખનીય મહારાષ્ટ્રનો ઠોસેઘર વોટરફોલ છે, જે સાતારા નજીક સ્થિત છે. આ મોસમી વોટરફોલ છે, જે ચોમાસામાં જીવંત બને છે. પશ્ર્ચિમી ઘાટની હરિયાળી લીલોતરીથી ઘેરાયેલો આ વોટરફોલ નિસર્ગપ્રેમીઓને મોહિત કરનારો નજારો પ્રદાન કરે છે.
ભારતના આ વિવિધ પ્રદેશો તેના વોટરફોલ્સનું સમૃદ્ધ નૈસર્ગિક સૌંદર્ય અને પર્યાવરણીય મહત્ત્વ દર્શાવે છે. ઉત્તરના પીગળતા બરફમાંથી વહેતા જળધોધથી દક્ષિણમાં ઉષ્ણકટિબંધીય જળધોધ સુધી અને પૂર્વ તથા ઈશાનના ચોમાસા પર આધારિત અદભુત નજારા સુધી દરેક વિસ્તાર અજોડ અનુભવ પ્રદાન કરે છે.
ભારતના અદભુત વોટરફોલ્સની મુલાકાત જો વિચારપૂર્વક નિયોજન કરવામાં આવે તો યાદગાર અનુભવ બની શકે છે. યાદ રાખો, સમય ચાવી છે! મોટા ભાગના વોટરફોલ્સ જોવા માટે સૌથી સારો સમય ચોમાસું અથવા તુરંત તે પછીનો સમય હોય છે, જ્યારે આ જળધોધ સંપૂર્ણ ખીલેલા હોય છે. જોકે તમારે અહીં હંમેશાં સુરક્ષાનાં ચિહનો અને માર્ગદર્શિકાનું પાલન કરવાનું આવશ્યક હોય છે. ખડકવાળા વિસ્તારો લપસણા હોઈ શકે છે અને જળધોધ મજબૂત હોય છે. આથી કિનારાથી સુરક્ષિત અંતરે રહો અને સ્થાનિક સલાહનું પાલન કરો. તો આ અમુક મજેદાર ટુર કરાવ્યા પછી અહીં હું મારી ટોચની ત્રણ ટ્રાવેલ ટિપ આપવા માગું છું: 1. રિયુઝેબલ પાણીની બોટલો અને સનસ્ક્રીન લોશન સાથે રાખો, જેથી તમે હાઈડ્રેટેડ રહી શકો અને સનબર્નથી બચી શકો. 2. આરામદાયક, જળ પ્રતિરોધક કપડાં (જીન્સ નહીં) અને ટ્રેકિંગ માટે મજબૂત જૂતાં પહેરો. ચોમાસાની મોસમમાં રેઈનકોટ અથવા છત્રી આવશ્યક છે. 3. અને જો મારી જેમ તમને ફોટોગ્રાફી કરવાનો શોખ હોય તો જળધોધના સૌંદર્યને કચકડે મઢી લેવા માટે સ્માર્ટફોન તમારો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે.જોકે પાણી અને નમીથી તમારા ફોનનું રક્ષણ કરવાનું ધ્યાન રાખો.
તો હા, ભારતના વોટરફોલ્સ એ ફક્ત નૈસર્ગિક આકર્ષણ નથી, પરંતુ તે દેશની અતુલનીય જૈવવૈવિધ્યતાનો દાખલો છે. હું ખાતરીદાયક રીતે કહી શકું છું કે આ વોટરફોલ્સની મુલાકાત લેવાનો અનુભવ આજીવન યાદગાર બનીને રહે છે. ભારતના આ નૈસર્ગિક સૌંદર્યથી છલોછલ સ્થળો સાહસ માટે વાટ જુએ છે, જ્યાં દરેક વોટરફોલ નિસર્ગની મનોહરતા અને અતુલનીય ભારતની પ્રચુરતાની વાર્તા કહે છે! તો ચાલો, બેગ ભરો, નીકળી પડો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.