Published in the Sunday Mumbai Samachar on 26 January 2025
ટ્રેનો હંમેશા પરિવહનના માધ્યમ કરતાં વધુ રહી છે. ભારતની રોયલ રેલ્વેથી લઈને સમગ્ર વિશ્વમાં ઈજનેરી અજાયબીઓ સુધી, દરેક પ્રવાસ આપણને વિશ્વની સુંદરતા અને વિવિધતાની નજીક લાવે છે.
થોડા મહિના પૂર્વે મેં ભારતમાં અમુક અતુલનીય ટ્રેન પ્રવાસ વિશે વાત કરી હતી. આ અનુભવો આપણા દેશની વૈવિધ્યતા, ઈતિહાસ અને મંત્રમુગ્ધ કરનારું નિસર્ગસૌંદર્ય પ્રદર્શિત કરે છે. ટ્રેનોમાં `પેલેસ ઓન વ્હીલ્સ' અને `ડેક્કન ઓડિસ્સી' આપણને સ્થળો સાથે સમય થકી પણ પ્રવાસ કરાવીને ભારતના અસલ જોશ સાથે ઊંડાણભર્યું જોડાણ પ્રદાન કરે છે.
આજે ચાલો, આપણી ક્ષિતિજોને વિસ્તારીએ અને દુનિયાની અમુક સૌથી પ્રતિકાત્મક ટ્રેનોમાં સવારી કરીએ. આ ટ્રેનો નાવીન્યતા, સાહસ અને બેસુમાર સૌંદર્યની વાર્તાઓ સાથે ભરચક હોઈ પોતાની અંદર એક અનુભવ છે. તો ચાલો, આપણે વિવિધ ખંડોની વર્ચ્યુઅલ સવારી પર નીકળીને દુનિયાના સૌથી અસાધારણ ટ્રેન પ્રવાસની ખોજ કરીએ.
સૌથી લાંબી રેલવે: ટ્રાન્સ- સાઈબેરિયન રેલવે (રશિયા)
મોસ્કોથી લાદિવોસ્તોક સુધી 9,289 કિમી અંતર ધરાવતી ટ્રાન્સ-સાઈબેરિયન રેલવે દુનિયામાં સૌથી લાંબી રેલવે લાઈન છે. રશિયાના વિપુલ નિસર્ગસૌંદર્યમાંથી આ પ્રવાસ 87 શહેર, 16 નદી અને 8 ટાઈમ ઝોન પાર કરે છે. મોસ્કોથી આરંભ કરતાં તે પેસિફિક કોસ્ટ પર લાદિવોસ્તોક સુધી ઉરાલ પહાડીઓથી સાઈબેરિયન તાઈગા સુધી નિસર્ગસૌંદર્યમાં નાટકીય પરિવર્તન ઉજાગર કરે છે. તેમાં લેક બાઈકલ આકર્ષણરૂપ છે, જે દુનિયામાં સૌથી ઊંડું સરોવર કાચ જેવા સાફ જળ માટે પ્રસિદ્ધ છે. 1800ના પૂર્વાર્ધમાં નિર્મિત આ રેલવેનું નિર્માણ થિજાવી દેતી ઠંડીમાં શ્રમિકો માટે પુરસ્કાર તરીકે વોડકા પીરસીને પૂર્ણ કરાયું હતું, જે પરંપરા આજે પણ પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન વોડકા આપીને ચાલુ રાખવામાં આવી છે. આ ટ્રેન પોતાની અંદર રશિયન સંસ્કૃતિનું માઈક્રોકોઝમ છે, જે સ્થાનિક સ્વાદિષ્ટ ભોજન પીરસે છે અને સર્વ ક્ષેત્રના લોકો સાથે મળવાનું થાય છે. આ રેલવેનો રોચક વારસો તેનો સ્તર નહીં પણ આ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રમાં તે પૂરું પાડે તે જોડાણનું ભાન છે.
સૌથી તીક્ષ્ણ ઢાળવાળી રેલવે- પિલેટસ રેલવે (સ્વિટઝર્લેન્ડ)
સ્વિટઝર્લેન્ડમાં 1889થી ચાલતી પિલેટસ રેલવે અધધધ 48 ટકા ઢાળ પર ચઢાણ કરે છે, જે તેને દુનિયામાં સૌથી તીક્ષ્ણ ઢાળવાળી કોગવ્હીલ રેલવે બનાવે છે. આ પ્રવાસ સમુદ્રની સપાટીથી 2,128 મીટરે માઉન્ટ પિલેટસ શિખર પર પહોંચે છે. આલ્પનેસ્ટેડમાં આરંભ કરતાં તે હરિયાળીથી ભરચક પહાડીઓ, ચકમકતાં સરોવરો અને શિખરોનો નજારો પ્રદાન કરે છે. આ શિખરને મધ્યયુગીન દંતકથાને લીધે `ડ્રેગન માઉન્ટન' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં હાઈકિંગ ટ્રેઈલ્સ, ઓબ્ઝર્વેશન ડેક અને અલ્પાઈન રેસ્ટોરાં છે. પ્રવાસીઓ સાહસ અને શાંતિનું અજોડ સંમિશ્રણ માણવા સાથે સ્થાનિક લોકકળામાં પોતાને પરોવી શકે છે. મોસમી વૈવિધ્યતા તેની ખૂબીઓમાં ઉમેરો કરે છે,જેમાં શિયાળામાં બરફ ઓઢેલાં ઝાડવાં અને ઉનાળામાં સ્વર્ણિમ ફૂલોનો સમાવેશ થાય છે. પિલેટસ રેલવે નિસર્ગના નિર્ભેળ સૌંદર્ય સાથે એન્જિનિયરિંગ અજાયબીને સંમિશ્રિત કરનારા બુદ્ધિશાળી માનવીનો દાખલો છે, જે દરેક ઢાળને યાદગાર અવસર બનાવે છે.
સૌથી ઝડપી રેલવે: શાંઘાઈ મેગ્લેવ (ચીન)
શાંઘાઈમાં શાંઘાઈ મેગ્લેવ પ્રતિકલાક 431 કિમી ગતિથી દોડતી દુનિયાની સૌથી ઝડપી વ્યાવસાયિક ટ્રેન છે. ફક્ત 7 મિનિટમાં 30 કિમી અંતર પાર કરી શકતી આ લોહચુંબકીય ટ્રેન પુડોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટને લોંગયાંગ રોડ સ્ટેશન સાથે જોડે છે. પૈડાં વિના ચાલતી આ ટ્રેન ટ્રેક પર દોડવા માટે તેના લોહચુંબકીય ક્ષેત્રોનો ઉપયોગ કરીને આંચકારહિત સવારીની ખાતરી રાખે છે. પ્રવાસીઓ ટ્રેન દોડતી હોય ત્યારે ટેબલ પર ટટ્ટાર સંતુલિત કોઈન જોઈને ચકિત થયા વિના રહેતા નથી, જે ઉચ્ચ ગતિએ પણ ટ્રેનની સ્થિરતા દર્શાવે છે. આ ટેકનોલોજિકલ અજાયબી ચીનની નાવીન્યતાનો દાખલો છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરનારો અનુભવ પૂરો પાડવા સાથે પરિવહનના ભવિષ્યમાં ઝાંખી કરાવે છે. તેની ગતિની પાર શાંઘાઈ મેગ્લેવ આધુનિક એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતાનું પ્રતિક છે અને શહેરી ક્ષિતિજમાં મોબિલિટીનો નવો દાખલો બેસાડવા માટે કટિબદ્ધ છે.
સૌથી અજોડ ટ્રેન મુકામ: શલાતી ટ્રેન ઓન ધ બ્રિજ (સાઉથ આફ્રિકા)
સાઉથ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં સાબી નદી પરથી અધ્ધર દોડતી શલાતી ટ્રેન ઓન ધ બ્રિજ ઈતિહાસ, નાવીન્યતા અને બેસુમાર લક્ઝરીને જોડે છે. આ કાયાકલ્પ કરેલી ટ્રેન કાયમી ધોરણે શેલાતી બ્રિજ પર ઊભી રહે છે,જે મનોહર નજારો પ્રદાન કરે છે. મહેમાનો નદીનો નજારો માણી શકે છે, જેમાં તેમને ઘણી વાર હાથીઓ, હિપ્પો અને મગરમચ્છ જોવા મળે છે.ટ્રેનની ખૂબી સાથે સફારીનું આકર્ષણ સંમિશ્રિત અનુભવ તેને ખરેખર અવિસ્મરણીય બનાવે છે. સાંજની સફારી, પારંપરિક સાઉથ આફ્રિકન વાનગીઓઅને તારલાથી ચકમકતું આકાશ આ અનોખા મુકામને પરિપૂર્ણ કરે છે. આ સાહસ હસ્ર જીવનના શોખીનો અને લક્ઝુરિયસ રિટ્રીટના ચાહકોને પણમોહિત કરે છે. શલાતી અનુભવ મુકામથી પણ વિશેષ છે. તે વારસો અને નિસર્ગ સાથે ઐક્યની વાર્તા છે, જે સાઉથ આફ્રિકાના હસ્ર હૃદય સાથેનાજુક જોડાણ પ્રદાન કરે છે.
સૌથી નયનરમ્ય રેલવે: ગ્લેશિયર એક્સપ્રેસ (સ્વિટઝર્લેન્ડ)
ધ ગ્લેશિયર એક્સપ્રેસ `સૌથી ધીમી એક્સપ્રેસ ટ્રેન' તરીકે ઓળખાય છે,જે સ્વીસ પહાડીઓ થકી મંત્રમુગ્ધ કરનારો પ્રવાસ પ્રદાન કરે છે. ઝર્મેટથી સેન્ટ મોરિટ્ઝ સુધી ૨૯૧ કિમી અંતરમાં પથરાયેલી ટ્રેન બરફાચ્છિદત પહાડીઓ, હરિયાળી ખીણો અને વિલક્ષણ ગામડાંઓ પ્રદર્શિત કરતાં આઠ કલાક લે છે. તેની ખૂબીમાં લેન્ડવોસર વાયાડક્ટ અને ઓબેરાલ્પ પાસ છે,જે રુટનો સર્વોચ્ચ પોઈન્ટ 2033 મીટરે છે. પેનોરમિક વડોઝ સુંદર નજારો આપે છે, જેથી દરેક અવસર યાદગાર બની જાય છે. સુંદર નજારા સાથે સ્વાદિષ્ટ ભોજન પ્રવાસમાં પૂરક બની જાય છે. ધ ગ્લેશિયર એક્સપ્રેસ ધીમા પ્રવાસના રોમાન્સની દ્યોતક છે, જ્યાં દરેક પળ પ્રવાસની મનોહરતામાં ગળાડૂબ થવા આમંત્રિત કરે છે.
ધ ઈન્ડિયન પેસિફિક: ઓસ્ટ્રેલિયાનો કોસ્ટ-ટુ-કોસ્ટ રેલ અનુભવ
ધ ઈન્ડિયન પેસિફિક સિડનીથી પર્થ સુધી 4,350 કિમી આવરી લેતાંઓસ્ટ્રેલિયાના પ્રચુર સૌંદર્ય વચ્ચેથી પસાર થાય છે. તે જોડે છે એ મહાસાગરો પરથી તેને આ નામ અપાયું છે. આ ચાર દિવસનો પ્રવાસ ઓસ્ટ્રેલિયાના નાટકીય નિસર્ગસૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાને મઢી લે છે. સિડનીથી આરંભ કરતાં તે બ્લુ માઉન્ટન્સ, સાઉથ ઓસ્ટ્રેલિયાના વાઈનયાર્ડસ અને નલ્લરબાર પ્લેઈન થકી પસાર થાય છે, જે દુનિયામાં સૌથી લાંબા સીધા રેલવે ટ્રેક સાથે ઝાડરહિત ક્ષેત્ર છે. સમતલ જમીન પરથી તારલાઓને જોવા તે આકર્ષણરૂપ છે, જેમાં આકાશગંગા ઉત્કૃષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે. આ પ્રવાસ દરિયાકાંઠાથી દરિયાકાંઠાનું સાહસ પ્રદાન કરીને પર્થમાં સમાપ્ત થાય છે. ટ્રેનમાં પ્રવાસીઓ સ્વાદિષ્ટ ભોજન, પ્રાદેશિક વાઈન અને વાર્તાકથન સત્રો માણી શકે છે, જે ઓસ્ટ્રેલિયાના સમૃદ્ધ ઈતિહાસને જીવંત કરે છે. ધ ઈન્ડિયન પેસિફિક ફક્ત ટ્રેન નથી, પરંતુ ખોજ સાથે લક્ઝરીને સંમિશ્રિત કરતા ખંડના આત્મા થકી પ્રવાસ છે.
સૌથી લક્ઝુરિયસ રેલવે: વેનિસ સપલોન-ઓરિયન્ટ-એક્સપ્રેસ (યુરોપ)
ધ વેનિસ સપલોન-ઓરિયન્ટ-એક્સપ્રેસ 1920ના ગ્લેમરનું પ્રતિક છે.આ સૂઝબૂઝપૂર્વક કાયાકલ્પ કરેલી ટ્રેન લંડનથી વેનિસને જોડે છે, જે ઈન્ગ્લિશ ક્નટ્રીસાઈડ, ફ્રેન્ચ લેન્ડસ્કેપ્સ અને સ્વીસ આલ્પ્સ થકી પસાર થાય છે. અન્ય રુટ્સમાં પેરિસ, પ્રાગ અને ઈસ્તંબુલનો સમાવેશ થાય છે. મનોહર આર્ટ ડેકો કેરેજીસ અને મંત્રમુગ્ધ કરનારો નજારો અનુભવને બહેતર બનાવે છે. શાહીપણું અને છળ સાથે તેના સહયોગ માટે જ્ઞાત ટ્રેન મનોહરતા અને રહસ્યની પ્રતિક છે. મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજન, લાઈવ પિયાનો પરફોર્મન્સ અને ઉત્તમ સેવા સાથે આગતાસ્વાગતા કરાય છે, જે પ્રવાસના સુવર્ણ યુગમાં તેને અવિસ્મરણીય પ્રવાસ બનાવે છે. આ અનુભવ છે, જ્યાં ઘડવામાં આવેલી દરેક બારીકાઈ પ્રવાસીઓને સમકાલીન આધુનિકતાના યુગમાં લઈ જાય છે.
આપણે એક્સપ્લોર કરેલા દરેક ટ્રેન પ્રવાસ પરિવહનથી પણ વિશેષ છે, જે વિવિધ સ્થળોના હાર્દ અને અંતરમાં વસી જાય છે. આ પ્રવાસ અવિસ્મરણીય અનુભવો સાથે મજેદાર વાર્તાઓનું વચન આપે છે. તમે ગતિના રોમાંચ, નિસર્ગરમ્ય ક્ષિતિજના રોમાન્સ કે લક્ઝરીના કમ્ફર્ટથી પ્રેરિત થઈ જાઓ,આ દરેક ટ્રેન પ્રવાસ તમારી વાટ જુએ છે. તો તમારું આગામી ટ્રેન સાહસ તમને ક્યાં લઈ જશે? મને તે વિશે સાંભળવાનું ગમશે.મને લખો neil@veenaworld.com. પર. ફરી મળીશું, ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.