Published in the Sunday Gujarat Samachar on 7 July, 2024
વિશ્વભરના વાઇબ્રન્ટ ખાદ્ય બજારો ને એક્સપ્લોર કરો, જ્યાં દરેક સ્ટોલ સ્થાનિક સંસ્કૃતિ અને રાંધણ પરંપરાની વાર્તા કહે બાર્સેલોનાથી માર્રાકેશ સુધી, એક સંવેદનાત્મક તહેવારની રાહ જોવાઈ રહી છે
દુનિયાભરની સર્વોતમ ફૂડ માર્કેટ (ખાદ્ય બજાર) માં એક ડોકિયું જો તમે મને ઇનસ્ટાગ્રામ પર ફોલો કરશો (@patilneil) તો તમને ખબર પડશે કે આઈ લવ ફૂડ. અને એટલે જ હું દુનિયાભરના ફૂડનેએક્સ્પ્લોર કરવા માટે પ્રવાસ કરું છું. અને તે માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ છે તમે જે સ્થળની મુલાકત લો છો ત્યાંની ફૂડ માર્કેટ.ફૂડ માર્કેટ તે પ્રદેશની સંસ્કૃતિનું, પરંપરા, પાકકળાના ઉલ્લાસનું કેન્દ્રબિંદુ છે અને તમારા મારા જેવા મુસાફરોને ત્યાંની લોકલ લાઈફનો આસ્વાદ કરાવે છે. લંડનની હલચલ ભરેલી ગલીઓ થી બાર્સેલોનાની ઐતહાસિક ગલીઓ સુધી, આ માર્કેટ માત્ર ખાવાનું ખરીદવાનું સ્થળ કરતા ઘણી વધારેમહત્વની છે... તે એક છાપ છોડતો અનુભવ છે જયાં તમે સ્વાદ અને સોડમની સાથે યુનિક પ્રોડક્ટ્સ મેળવી શકો છો અને ત્યાંના લોકલ નિવાસીઓ સાથે પરસ્પર વાતો કરી શકો છો.તો આજે, દુનિયાભરની અમુક બેસ્ટ ફૂડ માર્કેટ વિષે જાણીએ, જ્યાં મળે છે ઇન્દ્રિયો માટે રસથાળ અને ત્યાંની સંસ્કૃતિની એક ઝલક...ચાલો શરૂ કરીએ. લાબોકેરિયા, બાર્સેલોનાબાર્સેલોના ના મધ્યમાં આવેલી તેનું હ્રદય ગણાતી ફૂડ માર્કેટ લાબોકેરિયા દુનિયાની સૌથી અગ્રણી ફૂડ માર્કેટમાંથી એક છે. તમે જયારે પણ બાર્સેલોના ની મુલકાત લો ત્યારે 1836 માં સ્થાપિત આ ફૂડ માર્કેટની મુલાકાત લેવાનું ભૂલતા નહિ. આ માર્કેટ વિવિધ લોકલ વાનગીઓ અને ફ્રેશ પ્રોડક્ટ્સ વેચતા સ્ટોલ્સથી ભરેલી છે. જયારે તમે આ હલચલ ભરેલી ગલીઓમાં ફરશો ત્યારે તાજી બનવેલી વાનગીઓ અને રસદાર પાકેલા ફળોની હવામાં ફેલાયેલી સોડમ તમને આ વસ્તુઓ ચાખવા મજબુર કરી દેશે. લાબોકેરિયા આ માર્કેટ માત્ર ખાવાનું ખરીદવાનું સ્થળ નહિ પણ પાકકલાની ખૂબીઓ દર્શાવતું એવું સાહસ છે જ્યાં કેટલેન ક્વિઝિન નું મૂળ સત્વ જીવંત થાય છે. લાબોકેરિયા ફૂડ માર્કેટની એક હાઇલાઇટ છે વિવિધ પ્રકારના તાપાસ બાર અને ખાણીપીણી, જ્યાં તમે મૂળ સ્પેનીશ વાનગીઓનો ખરો સ્વાદ માણી શકો છો.મોં માં પાણી લાવી દેતા એમ્પાનાદાસ થી તીખી ફ્રાઈડ ચિલીઝ, દરેકનો મનભાવન સ્વાદ સંતોષવા ત્યાં કઇંકતો મળે જ છે. બહુ જ સુંદર અનુભવ મેળવવા માટે તે માર્કેટની વહેલી સવારે મુલાકાત લેવી જયારે ત્યાં ગરદી ઓછી હોય અને આરામથી મિત્રો સાથેવાતો કરતા કરતા ફરી શકો. સૌથી લોકપ્રિય જગ્યા બાર, ને ભૂલતા નહિ જ્યાં તમે ક્લાસિક તાપાસ અન લોકલ કાવા (સ્પેનની પ્રસિદ્ધ સ્પાર્કલિંગ વાઈન) નો મનભરીને આનંદ માણી શકો છો. પોતાના મુલ્યવાન ઈતિહાસ, થનગનતા વાતાવરણ અને વાનગીઓનો ખજાનાને કારણે લાબોકેરિયા ફૂડ માર્કેટ બાર્સેલોના ના ઉર્જાથી થનગનતા શહેરીજીવનનું એક ચમકતું કેન્દ્ર છે. બૉરૉઉઘ માર્કેટ, લડન, ઈંગ્લેન્ડબૉરૉઉઘ મારી પર્સનલ ફેવરીટ છે અને જયારે હું લંડન માં હોઉંછું ત્યારે એક વાર તો ત્યાં જમવા જાઉં જ છું. લંડન ના મધ્યમાં આવેલી, બૉરૉઉઘ માર્કેટ ઐતિહાસિક રતન અને શહેરનું સૌથી પ્રખ્યાત ફૂડ ડેસ્ટીનેશન છે. હજારથી વધુ વર્ષ પહેલા શરૂ થયેલી આ માર્કેટ ખાણી પીણીના શોખીનોનું અને પાકકળાના નાવીન્યનું કેન્દ્ર છે. અહીં તમે જુદા જુદા પ્રકારના હાઈ ક્વોલીટી ફૂડ ઓફર કરતી કારીગરની બનાવટો, દારૂ ના વિક્રેતાઓ અને તાજી વસ્તુઓના સ્ટોલ્સનું અનેકવિધ મિશ્રણ જોઈ શકશો. ફ્રેશ બેક્ડ કરેલા બ્રેડની મનોહર સુગંધ થી લઈને સીઝ્લીંગ સ્ટ્રીટ ફૂડની મોહક સોડમ સુધી બૉરૉઉઘ માર્કેટ સ્વાદભર્યા સંવેદનનો રસથાળ છે જેમાં લંડન ના ડાયનેમિક ફૂડનું સત્વ ઝળકે છે.આ માર્કેટની આગવી વિશેષતા છે ઇન્ટરનેશનલ અને બ્રિટીશ છાપ છોડતી પ્રભાવશાળી પસંદગી, જે તેને ખાણી પીણીનો ઉભરાતો ચરુ બનાવે છે.તમે આ ગલીઓમાં ફરશો તો જોશો કે ઓર્ગેનિક ચીઝ થી લઈને અક્ઝોટિક સ્પાઈઝીસ અને હાથે બનાવેલી ચોકલેટ સુધી બધું જ અહીં ઉપલબ્ધ છે.આ માર્કેટમાં મળતી બધી જ વસ્તુઓનો આસ્વાદ માણવા મારી ટીપ છે કે તમે વિક ડેઝમાં માર્કેટ વિઝીટ કરજો જેથી વિક એન્ડની ગરદીથી બચી શકાય અને દરેક સ્ટોલની મજા તમે માણી શકો. બધી જ રીતે બૉરૉઉઘ માર્કેટ સ્વાદભર્યા સાહસનો યાદગાર અનુભવ આપે છે. જમા અલ ફના, મરાકેશ, મોરોક્કોજમા અલ ફના, મરાકેશ, મોરોક્કો નો ગતિમાન સેન્ટ્રલ સ્ક્વેર મનમોહક રાંધણકળા અને સંસ્કૃતિનું કેન્દ્ર છે જ્યાં સ્વાદ અને સોડમનો યાદગાર અનુભવ થાય છે. સુરજ ઢળતા જ આ સ્ક્વેર વિવિધ ફૂડ સ્ટોલ્સ, સ્ટ્રીટ પરફોર્મરસ અને વાઈબ્રન્ટ એક્ટીવીટીસથી ભરેલી એક જીવંત થનગનતી નાઈટ માર્કેટમાં પરિવર્તિત થઈ જાય છે. મોઢામાં પાણી લાવતી ગ્રિલ્ડ ફૂડ અને મીઠી પેસ્ટ્રીસની સુગંધથી મહેકતી હવા લોકલ પીપલ્સ અને ટુરીસ્ટસ બધાને અહીં ખેચી લાવે છે. આ માર્કેટનું અનન્ય આકર્ષણ એ છે કે અહીં ટ્રેડીશનલ મ્યુઝીક, સ્ટોરી ટેલીંગ અને ઉત્તમ વાનગીઓનો સુંદર સમન્વય છેજે મોરક્કન કલ્ચરનો સંપૂર્ણ સ્વાદ ચખાડે છે. જમા અલ ફના ના મુલાકાતીઓ, સ્વાદિષ્ટ ટજિન અને કુસકુસ થી લઈને ફ્રેશ સંતરાનો રસ અને મીઠી મિન્ટ ટી સુધી વિવિધ મોરક્કન વાનગીઓનો સ્વાદ માણી શકે છે.તમારી મુલાકાતનો પુરેપુરો આનંદ લેવા દરેક સ્ટોલની મુલાકાત લો,વેન્ડર સાથે વાતો કરો અને મનમોહક વાતાવરણને મનભરીને માણો. અને જયારે તમે અહીં આવો ત્યારે, ભાવતાલ કરાવવાની કલાને યાદ રાખજો કારણ કે અહીં બાર્ગેનિંગ કોમન પ્રેક્ટીસ છે. ક્વીન વિક્ટોરિયા માર્કેટ, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાક્વીન વિક્ટોરિયા માર્કેટ, જે પ્રેમથી `વિક માર્કેટ' અથવા `ક્વીન વિક' તરીકે ઓળખવામાં આવે છે તે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા નું ઐતિહાસિક અને વાઇબ્રન્ટ લેન્ડમાર્ક છે. 19 મી સદીના પૂર્વાર્ધમાં સ્થાપવામાં આવેલી આ માર્કેટ મેલબોર્નના અનેકવિધ પકવાનોનો સ્વાદ માણવા, ફ્રેશ પ્રોડક્ટ્સ અને દારૂયુક્ત વાનગીઓ અને અનન્ય યાદો મેળવવા માટે લોક્લ્સ અને વિઝીટર્સ બંને માટે મહત્વનું ડેસ્ટીનેશન છે. સાત હેકટરમાં ફેલાયેલી આ માર્કેટ દક્ષિણ ગોળાર્ધની સૌથી મોટી ઓપન એર માર્કેટ છે. ઉર્જાથી ઉભરાતું વાતાવરણ, હેરીટેજ લીસ્ટેડ મકાનો અને બહોળી વિવિધતા ધરાવતા સ્ટોલ્સ ક્વીન વિક્ટોરિયા માર્કેટ ને માત્ર એક ખરીદીનું સ્થળ નહિ પણ મેલબોર્ન ના હાર્ટ અને સોલને દર્શાવતું સાંસ્કૃતિક કેન્દ્ર બનાવે છે.ક્વીન વિક્ટોરિયા માર્કેટ ના વિઝીટર્સ ફ્રેશ સી ફૂડ અને કારીગરી સભર ચીઝ થી લઈને ઇન્ટરનેશનલ સ્ટ્રીટ ફૂડ અને દારૂ ની પ્રોડક્ટ્સ સુધી અનેક પ્રકારની વાનગીઓનો આનંદ લઇ શકે છે. અમેરિકન ડોનટ કિચનના પ્રખ્યાત હોટ જામ ડોનટસ ખાસ ચાખવા જેવી આઈટમ છે. આ માર્કેટમાં ઘણી સીઝનલ ઈવેન્ટ્સનું આયોજન થાય છે. જેવી કે સમરનાઈટ માર્કેટ જ્યાં તમે લાઇવ મ્યુઝીક,ગ્લોબલ સ્ટ્રીટ ફૂડ અને ઉત્સવ ભર્યા વાતાવરણનો આનંદ લઇ શકો છો. માર્કેટનો આનંદ ઉઠાવવા વિક ડેઝ ની સવારે તમારી વિઝીટ પ્લાન કરો જેથી વીકએન્ડની ગરદીથી બચીને તમે તમારી રીતે દરેક સેક્શનને આરામથી માણી શકો. જો તમે લોકલ વાનગીઓ ચાખવા માંગો છો, ફ્રેશ વસ્તુઓ ખરીદવા ઈચ્છો છો કે પછી માત્ર સુંદર વાતાવરણમાં ખોવાઈ જવા માંગો છો, મેલબોર્ન ના વાઈબ્રન્ટ ફૂડ અને કલ્ચરના સત્વને ઉજાગર કરતી ક્વીન વિક્ટોરિયા માર્કેટ મસ્ટ વિઝીટ ડેસ્ટીનેશન છે.દુનિયાની આ ચાર બેસ્ટ ફૂડ માર્કેટ વિષે જણાવ્યા બાદ, હું એક જ વસ્તુ કહી શકું છું કે દુનિયાભરની ફૂડ માર્કેટ્સની મુલાકાત જુદા જુદા કલ્ચર, ફ્લેવર્સ, ટ્રેડીશનને જાણવાનો અને અનુભવવાનો અલગ અને અનન્ય છાપ છોડતો રસ્તો છે. બાર્સેલોના, લાબોકેરિયા ની ઐતિહાસિક ગલીઓ થી મરાકેશ, જમા અલ ફના ની છલકાતી ઉર્જા સુધી, દરેક માર્કેટ તેના વાઈબ્રન્ટ સ્ટોલ્સ અને સ્વાદિષ્ટ વાનગીઓથી એક જુદી જકહાની જણાવે છે. તમે સતત ફરતા ટ્રાવેલર છો કે ઉત્સાહી સ્વાદના શોખીન, આ માર્કેટ તમને લોકલ લાઈફ અને લોકલ વાનગીઓના વારસાનો સાચો પરિચય કરાવે છે. તો જ્યારે હવે તમે કોઈ નવા શહેરમાં જાવ ત્યારે, ચોક્કસ મુલાકત લેજો ત્યાંની ફૂડ માર્કેટની-જયાં સંસ્કૃતિના દિલની ધડકન ધબકે છે અને અવિસ્મરણીય સ્વાદભરેલું સાહસ તમારી રાહ જુએ છે... ફરી પાછા મળીએ ત્યાં સુધી... ઉજવતા રહો જિંદગી... કીપ સેલીબ્રેટીંગ લાઈફ!!!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.