અમારી સાથે મેડિટરેનિયન સમુદ્રના દરિયાકાંઠાની અજાયબીઓનું અન્વેષણ કરો! અમાલ્ફી કોસ્ટના મનોહર ગામોથી લઈને સેન્ટોરિનીના આકર્ષક નજારાઓ સુધી, પાંચ મનમોહક સ્થળોની યાત્રામાં મારી સાથે જોડાઓ.
Published in the Sunday Gujarat Samachar on 05 May, 2024
આજે હું તમને ભૂમધ્ય પ્રદેશમાં લઈ જવા માગું છું, જે પ્રણય, ઈતિહાસ અને મંત્રમુગ્ધ કરનારા સૌંદર્યનું સુંદર સંમિશ્રણ છે. સ્પેનના સૂર્યથી તરબોળ દરિયાકાંઠાથીમધ્ય પૂર્વના ચમત્કારી નિસર્ગસૌંદર્ય સુધી ભૂમધ્ય ખાડી સંસ્કૃતિઓ અને નૈસર્ગિક સૌંદર્યથી છલોછલ હોવાથી સદીઓથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જોકે હું તમને તેમાં ડોકિયું કરાવું તે પૂર્વે થોડા સપ્તાહ પૂર્વે `વિમાન ઉતરાણ કરતાં જ બધા ઊભા કેમ થઈ જાય છે?' વિષય પર મારા લેખ વિશે neil@veenaworld.com પર વિચારો જણાવનારા બધાનો હું આભારી છું. મને આવા ઈમેઈલ મળે તે મારા માટેબહુ મહત્ત્વપૂર્ણ હોય છે. તે મને લખતા રહેવાની પ્રેરણા આપે છે અને એક-એક પગલું આગળ વધીને આપણે ભારત અને ભારતીય એરલાઈન્સ ક્ષેત્રનેવધુ બહેતર બનાવી શકીશું.હવે વાત આગળ વધારું છું. હું આજે પાંચ સ્થળ વિશે માહિતી આપવા માગું છું. આ સ્થળો હવાફેર, ખોજ અને ભૂમધ્ય પ્રદેશની અજાયબીઓમાં ખોવાઈ જવા માગનારા માટે ઉત્તમ છે.આ યાદીમાં સૌપ્રથમ ઈટાલીનો અમાલ્ફી દરિયાકાંઠો આવે છે. ઈટાલીના સોરેન્ટાઈન પેનિનસુલાની દક્ષિણીય કોરે વસેલો અમાલ્ફી દરિયાકાંઠો તેના ખડકોના નિસર્ગસૌંદર્ય અને સ્વર્ણિમ, રંગબેરોગી ગામો સાથે દીપી ઊઠે છે. દરિયાકાંઠાને અડીને આવેલા રસ્તાઓના દરેક વળાંકે લેમન ગ્રોવ્ઝ, હરિયાળા વાઈન યાર્ડસનીવિશાળ જગ્યાઓ અને ચકમકતા કાચ જેવા સ્વચ્છ પાણીમાં નાટકીય રીતે ઊતરતા તીક્ષ્ણ ખડકોની મનોહરતા મંત્રમુગ્ધ કરીને રહે છે. પ્રદેશના વિલક્ષણ કોટેજીસથી ભવ્ય વિલા સુધી સ્થાપત્ય રત્નોને પીળા, ગુલાબી અને સફેદ રંગની છાંટ સાથે રંગવામાં આવ્યાં છે, જે ભૂમધ્ય પ્રદેશ આકાશની સામે ઊંડા ભૂરા સમુદ્ર સાથે દીપી ઊઠે છે.
તમારો પ્રવાસ ઉત્તમ રીતે શરૂ કરવા માટે અમાલ્ફીનું ઐતિહાસિક શહેર જરૂર જુઓ. તમે આકર્ષક બાયઝેન્ટાઈન સ્થાપત્ય સાથેના સેન્ટ એન્ડ્રયુના મનોહર કેથેડ્રલની મુલાકાત લઈ શકો. આ પછી હારબંધ બુટિક્સ અને કેફેથી ધમધમતી મનોહર ગલીઓમાં લટાર મારી શકો છો. વળી, કેપ્રી ટાપુની બોટ ટુર વિના અમાલ્ફી દરિયાકાંઠાની મુલાકાત પૂરી થતી નથી. તમે ટાપુનો પ્રસિદ્ધ બ્લુ ગ્રોટ્ટો ડિસકવર કરી શકો, મોજીલું વાતાવરણ માણી શકો છો અને દેખીતી રીતે જ માર્ગમાં ડોલ્ફિનની ઝાંખી પણ કરી શકો છો. જો તમે ખાદ્ય અને પીણાંના શોખીન હોય તો આ પ્રદેશના પ્રસિદ્ધ મોટા આકારના અને સુગંધી લેમન્સમાંથી બનાવવામાં આવેલી સ્થાનિક વિશિષ્ટતા-મજેદાર લેમ લિકર લિમોનસેલો માણી શકો છો.
હવે સેન્તોરિની, ગ્રીસમાં જઈએ. દેખીતી રીતે જ ગ્રીક ઉપદ્રીવનું સૌથી સુંદર સ્થળ સેન્તોરિની તેના નાટકીય નજારા, અદભુત સૂર્યાસ્ત અને નયનરમ્ય ગામડાં માટે પ્રસિદ્ધ છે. એજિયન સમુદ્રની સન્મુખ કેલ્ડેરાના ખડકો પર ઊંચે વસેલો આ ટાપુ મંત્રમુગ્ધ કરનારો નજારો આપે છે, જે ગ્રીકના સૌંદર્યની ખૂબીઓને દર્શાવે છે. સફેદ સ્થાપત્ય અને ઊંડા ભૂરા જળ વચ્ચે વિરોધાભાસ સાથે ફોટોગ્રાફરો અને પેઈન્ટરોનું સ્વર્ગમાન સ્થળ છે, જે ટાપુની મનોહર ખૂબીઓ આલેખિત કરે છે.
સેન્તોરિનીમાં વાયવ્ય ટોચ પર દરિયાકાંઠાનું શહેર ઓઈયા પરથી સૂર્યાસ્ત જોવો તે મહત્ત્વપૂર્ણ અનુભવ બની રહે છે, કારણ કે આ ગામડું સ્વર્ણિમ છાંટમાં રંગાયેલું આકાશ જોવા ઉત્સુક વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષતા તેના અદભુત નજારા માટે વખણાય છે. ઈતિહાસના સ્પર્શ માટે અક્રોતિરીના પુરાતત્વીય સ્થળની મુલાકાત જ્વાળામુખીની રાખ હેઠળ સંવર્ધન કરાયેલા પ્રાચીન મિનોઅન શહેરની અજાયબી ઉજાગર કરે છે, જે ટાપુના ફૂલતાફાલતા ભૂતકાળમાં ડોકિયું કરાવે છે. ઉપરાંત સેન્તોરિનીની અજોડ જ્વાળામુખીની માટી અજોડ સુગંધ સાથે સ્થાનિક વાઈન્સને બહેતર બનાવે છે, જેથી અહીં વાઈનનો સ્વાદ લેવો એટલે મજેદાર સાહસ બની જાય છે.
સેન્તોરિની પછી ચાલો આપણે હવે સ્પેનમાં કોસ્ટા બ્રાવા ખાતે જઈએ. કોસ્ટા બ્રાવા `વાઈલ્ડ કોસ્ટ' તરીકે ઓળખાય છે, કારણ કે તે મજબૂત ખડકો અને નૈસર્ગિક સૌંદર્યથી છલોછલ છે. આ દરિયાકાંઠો મધ્યયુગીન શહેરોથી ઘેરાયેલો છે, જે ખડકવાળા દરિયાકાંઠા અને પાઈનથી ભરચક ટેકરીઓમાંથી સહજ ઊભરી આવે છે.
કોસ્ટા બ્રાવાની ખોજ કરવા માગતા હોય તેમને માટે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક ખૂબીઓ અને અદભુત નૈસર્ગિક સૌંદર્યને માણવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ છે. એમ્પોરડા સપાટ મેદાનો પર તેના મનોરમ્ય નજારા માટે પ્રસિદ્ધ ઉત્તમ સંવર્ધન કરાયેલા મધ્યયુગીન શહેર પાલ્સની કોબલસ્ટોન સ્ટ્રીટ્સ અને જ્યાં ઐતિહાસિક પથ્થરની કમાનો વિલક્ષણ બુટિક્સ બનાવે છે તે તેના મંત્રમુગ્ધ કરનારા ગોથિક ક્વાર્ટર થકી લટાર મજેદાર બની રહે છે. આ પછી કાચ જેવા સ્વચ્છ પાણી, જીવંત રાત્રિજીવન અને ઘણી બધી પરિવાર અનુકૂળ જળ પ્રવૃત્તિઓના ધમધમાટ સાથે બીચપ્રેમીઓ માટે મુખ્ય સ્થળ લોરેટ દ મારની સુવર્ણ રેતીમાં હવાફેર કરો.
મારી યાદીમાં ચોથું સ્થળ ધ ફ્રેન્ચ રિવિયેરા અથવા કોટ દ અઝુર છે, જે લક્ઝરી, ગ્લેમર અને મંત્રમુગ્ધ કરનારા નૈસર્ગિક સૌંદર્ય સાથે પ્રતિકાત્મક છે. ફ્રાન્સની દક્ષિણીય કોરથી ઈટાલીની સીમા સુધી પથરાયેલું રિવિયેરા પેઢી દર પેઢી આર્ટિસ્ટોને પ્રેરિત કરનાર તેના મનોહર વિલા, નિર્મળ બીચ અને ઊંડા ભૂરા સમુદ્ર દ્વારા અનોખું તરી આવતું હોઈ ધનાઢ્ય અને પ્રસિદ્ધ લોકો માટે આ ઉત્તમ સ્થળ છે. આ જગ્યા સમૃદ્ધ કળાત્મક વારસા સાથે નૈસર્ગિક સૌંદર્યને સંમિશ્રિત કરે છે, જે ઘણાં બધાં મ્યુઝિયમો, ગેલેરીઓ અને ઐતિહાસિક સ્થળોમાં સિદ્ધ છે.
ફ્રેન્ચ રિવિયેરામાં સાંસ્કૃતિક અને ગ્લેમરસ પ્રવૃત્તિઓનો ખજાનો દરેક પ્રવાસીઓની વાટ જુએ છે. રિવિયેરાનું પ્રવેશદ્વાર નાઈસમાં તમારો પ્રવાસ શરૂ કરો, જે સ્વર્ણિમ કળાનાં દ્રશ્યોથી સમૃદ્ધ છે. અહીંથી થોડું ડ્રાઈવ કરવા પર મોનેકોની મનોહર પ્રિન્સિપાલિટી ખાતે પહોંચી શકાય છે, જ્યાં તમે બેલે ઈપોક સ્થાપત્ય અને ઉચ્ચ દાવના ગેમ્બલગ માટે પ્રસિદ્ધ કસિનો દ મોન્ટે- કાર્લો જેવા તેના પ્રસિદ્ધ કસિનોની લકઝરીમાં ડૂબકીઓ લગાવી શકો છો. જો તમે યોગાનુયોગ મેમાં જતા હોય તો વાર્ષિક ફિલ્મ મહોત્સવ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું ચૂકશો નહીં, જે શાંત દરિયાકાંઠાને અડીને આવેલું શહેર આંતરરાષ્ટ્રીય ફિલ્મ કલાકારો અને ક્રિયેટરોથી ધમધમતા સ્થળમાં ફેરવાઈ જાય છે. તે ફિલ્મ જોવા અને વિધિસર સ્ક્રીનગમાં હાજરી નહીં આપી શકે તેમને માટે કલાકારોને જોવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
આખરે યાદીમાં નંબર પાંચ પર ક્રોએશિયાનું ધ દાલ્મેશિયાં કોસ્ટ આવે છે, જે પૂર્વીય એડ્રિયાટિકની નૈસર્ગિક અને ઐતિહાસિક સંપત્તિનો અદભુત દાખલો છે. તેના લાંબા, ખાંચાવાળા દરિયાકાંઠા અને કાચ જેવા નિર્મળ જળ માટે પ્રસિદ્ધ આ દરિયાકાંઠો સ્વર્ણિમ શહેરો અને આદર્શ ટાપુઓથી ઘેરાયેલો છે. પ્રાચીન રોમન અવશેષો, મધ્યયુગીન ચર્ચો અને વેનેશિયાના કિલ્લાઓ સાથેનું આ ઐતિહાસિક શહેર નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે સંસ્કૃતિ અને ઈતિહાસનું મંત્રમુગ્ધ કરનારું સંમિશ્રણ પ્રદાન કરે છે.
અહીં શરૂઆત કરવાની સૌથી સારી રીત ડુબ્રોવનિક છે, જેને મોટે ભાગે `પર્લ ઓફ ધ એડ્રિયાટિક' નું બિરૂદ આપવામાં આવે છે, જ્યાં તમે ઉત્તમ સંવર્ધન કરેલી મધ્યયુગીન દીવાલો થકી પગપાળા જઈને શહેરના ઐતિહાસિક સ્થાપત્ય અને ચકમકતો એડ્રિયાટિક સમુદ્રનો બેજોડ નજારો માણી શકો છો. શાંતિ જોઈતી હોય તેઓ ઈલાફિતી આઈલેન્ડમાં નૌકા સવારી કરી શકે છે, જે તેની હરિયાળી વનસ્પતિ, નિર્મળ બીચ અને બોલકણાં ગામડાંઓ માટે પ્રસિદ્ધ ડુબ્રોવનિક નજીક મોહિત કરનારું આર્કિપેલેગોથી શોભે છે.
તમે સ્પ્લિટના હાર્દમાં ડાયોક્લેશિયા પેલેસ જોઈને તમારો પ્રવાસ વધુ સમૃદ્ધ બનાવી શકો છો. આ આકર્ષક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ રોમન સમ્રાટ ડાયોક્લેશિયા દ્વારા ૪થી સદીમાં ઈસવી સન પછી નિર્માણ કરવામાં આવી હતી, જે આજે જૂના શહેર અને શહેરના કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
આપણે આ દરિયાકાંઠાંનાં રત્નોના પ્રવાસનું નિયોજન કરીએ ત્યારે હું તમારે માટે અમુક બાબતો જણાવવા માગું છું. સૌપ્રથમ, આ સ્થળોની મુલાકાત લો ત્યારે સ્થાનિક સંસ્કૃતિઓમાં પોતાને ગળાડૂબ કરવા માટે પોતાનો સમય લો. પ્રાદેશિક વાનગીઓનો આસ્વાદ કરો, જે આ સ્થળ જેવી જ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે. બીજું, સ્થાનિક સમુદાયો સાથે સહભાગી થાઓ, કારણ કે તેમની પરંપરા અને જીવનની રીત આ વિસ્તારોની અસલ ખૂબીઓમાં ભરપૂર ઉમેરો કરે છે. દરેક સ્થળ તમને નિરીક્ષણ સાથે તેની અજોડ જીવનશૈલી અને વારસામાં ભાગ લેવા પણ આમંત્રિત કરે છે. તો આજે વાત અહીં પૂરું કરું છું. અમે વીણા વર્લ્ડ ખાતે હંમેશાં કહીએ છીએ તેમ,ચાલો, બેગ ભરો, નીકળી પડો!
નીલ પાટીલ. વીણા પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.