ક્રિકેટ મેચોથી લઈને બોલિવૂડની ફિલ્મો સુધી, જાણો કે કેવી રીતે ઓસ્ટ્રેલિયા દૂરના સ્વપ્નમાંથી ભારતીય પ્રવાસીઓ માટે મુલાકાત લેવા યોગ્ય સ્થળ બની ગયું છે. આ પાળીને ચલાવતા પરિબળો અને તેના વિવિધ લેન્ડસ્કેપ્સ અને અનુભવોના નવા જોવા મળતા આકર્ષણનું અન્વેષણ કરો.
Published in the Sunday Gujarat Samachar on 07 April, 2024
વર્ષ ૨૦૦૦ના પૂર્વાર્ધમાં પાછળ જાઉં છું ત્યારે ઓસ્ટ્રેલિયા વિશે મારી ધારણા વિશે બે અજોડ યાદગીરીઓ મારા મનમાં આવે છે:પ્રથમ, પ્રતિકાત્મક બોક્સિંગ ડે ક્રિકેટ ટેસ્ટ મેચનું જીવંત પ્રસારણ જોવા માટે વહેલા ઊઠી જવું, જે પરંપરા મારા સહિત ઘણા બધા ક્રિકેટના શોખીનો માટે અત્યંત પૂજ્ય છે. આ મેચો ફક્ત સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયા અને ભારતમાં આ રમત પ્રત્યે સમાન પ્રેમને જોડવા માટે સાંસ્કૃતિક પાયો હતો.બીજું, સૈફ અલી ખાન અને પ્રીતિ ઝટાએ મેલબર્ન અને ધ ગ્રેટ ઓશન રોડને "સલામ નમસ્તે ફિલ્મમાં જીવિત કર્યો. વર્ષ ૨૦૦૫ ની તે હિટ ફિલ્મ સાથે એવો સિનેમાટિક અનુભવ હતો જેણે ઓસ્ટ્રેલિયાને સપનાંની, વાર્તાથી ભારતીય પર્યટકોને મોહિત કરનાર ભરચક નૈસર્ગિક સૌંદર્યથી સમૃદ્ધ ધરતી બનાવી દીધી. વાર્તાકથન માટે બોલીવૂડની ખૂબી સાથે ઓસ્ટ્રેલિયાનું અદભુત નૈસર્ગિક સૌંદર્ય ભારતીયોએ આ મંત્રમુગ્ધ કરનારા દેશને જે રીતે જોયો અને અનુભવ્યો તેની પર ઘેરો પ્રભાવ પાડ્યો છે.તે સમયે મોટે ભાગે ઓસ્ટ્રેલિયા પહોંચથી બહુ દૂરનું સ્થળ હોવાનું માનવામાં આવતું હતું. ઘણા બધા ભારતીય પર્યટકો માટે ન્યૂ ઝીલેન્ડ સાથેઓસ્ટ્રેલિયાનો પ્રવાસ મોટે ભાગે એક જ વાર પર્યટન કરીને આવો અને ભૂલી જાઓ એવું માનવામાં આવતું હતું. આ ધારણામાંથી વ્યાપક ટ્રિપનું નિયોજન કરવાનું પ્રેરિત થયું, જે પછી ૧૫-૧૫ દિવસ સુધી લંબાયું. તેની પાછળ અંતર્ગત ભાવના એ હતી કે ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાની એક વાર મુલાકાતે જઈ આવ્યા પછી પાછા જવાનો યોગ નહીં આવી શકે. તે સમયે અંતર પણ કિલોમીટર અથવા કલાકોથી નહીં પરંતુ દુર્લભતા અને અનુભવોની ભવ્યતાથી મહેસૂસ કરાતું હતું. જો ૨૦૦૦માં કોઈને પણ તમે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જઈ આવ્યા એવું પૂછવામાં આવે તો તમને રોમાંચિત અને મોહિત કરનારી વાર્તાઓ સાંભળવા મળી શકે છે. ખરેખર તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે ઓસ્ટ્રેલિયાની મનોહરતા નકારી શકાય એવી નથી.જોકે આજની વાત પર આવીએ તો ઓસ્ટ્રેલિયામાં આપણે બધા ધારતા હતા તેનાથી પણ વધુ વ્યાપક પરિવર્તન આવ્યું છે. ભારતીય પ્રવાસીઓ માટે તે હવે સિડનીનું ઓપેરા હાઉસ કે મેલબર્નથી ગ્રેટ ઓશન રોડની ડ્રાઈવ જેવાં સીમાચિહનો પૂરતું મર્યાદિત નથી. તે હવે બકેટ લિસ્ટ આઈટમ પર નિશાન કરવા પૂરતું સીમિત રહ્યું નથી. બલકે, ઓસ્ટ્રેલિયા પ્રદાન કરે તે સમૃદ્ધ સંસ્કૃતિ અને વૈવિધ્યપૂર્ણ અનુભવોમાં પોતાને ગળાડૂબ કરવાની વાત છે.વારંવાર મુલાકાત લેવાની, દરેક મુલાકાતમાં આ વૈવિધ્યપૂર્ણ દેશના નવા સ્તર જોવાની વાત છે. આજે ઓસ્ટ્રેલિયાની ટ્રિપ વિશે સ્વિટઝર્લેન્ડ,જાપાન, દુબઈ-અબુ ધાબી અને સિંગાપોર જેવાં અન્ય ઘણાં બધાં સ્થળો જેટલી જ ચર્ચા થાય છે.છેલ્લાં ૧૦ વર્ષમાં હું પોતે ઓસ્ટ્રેલિયામાં ૮થી વધુ વખત જઈને આવ્યો છું. દરેક ટ્રિપની થીમ અલગ અલગ હતી, જેમાં મોટે ભાગે ખાદ્ય, વાઈન, સાહસ, દરિયાકાંઠા અને કોફી સંસ્કૃતિ સંબંધી અનુભવોને આવરી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. તે ફક્ત સંખ્યામાં નહીં પરંતુ પ્રવાસીની મુલાકાતના પ્રકારમાં પણ વધી રહી છે. વીણા વર્લ્ડમાં પણ ભારતભરમાં અમારાં કાર્યાલયોમાં સતત પૂછપરછ આવી રહી છે. આ પૂછપરછ એકલી સમર હોલીડેઝ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્ષભર પ્રવાસ માટે આવી રહી છે. આ પરિવર્તન આવવાનું કારણ શું હશે એવું તમને લાગે છે? ઓસ્ટ્રેલિયા અચાનક આપણા બધાના મનના ટોચ પર કેમ આવી ગયું? મને લાગે છે કે આ માટે અમુક કારણો છે.એક સૌથી મોટું કારણ માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયા છે. આ રિયાલિટી શો સૌપ્રથમ ૨૦૦૯માં પ્રસારિત થયો હતો, જેણે ઓસ્ટ્રેલિયા વિશે આકર્ષણ વધાર્યું છે. શોમાંના ત્રણ જજ મેટ પ્રેસ્ટન, જ્યોર્જ કોલંબારિસ અને ગેરી મેહિગન ભારતીય લિવગ રૂમમાં છવાઈ ગયા હતા, જેનાથી તેઓ રોજના વાર્તાલાપનો હિસ્સો બની ગયા હતા. આથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પ્રદર્શનમાં સ્થાનિક વાનગીઓ સાથે અદભુત ઓસ્ટ્રેલિયાના નૈસર્ગિક સૌંદર્યની નયનરમ્ય પાર્શ્વભૂએ ભારતીય પર્યટકોના મનમાં ઓસ્ટ્રેલિયા વિશે રુચિ જગાવી અને ઉત્સુકતા વધારી દીધી છે.બીજી બાજુ ઓસ્ટ્રેલિયન સરકાર અને ટુરીઝમ ઓસ્ટે્રલિયાએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝાની પ્રક્રિયાઓને પ્રવાહરેખામાં લાવવા માટે છેલ્લાં ૧૫ વર્ષમાં ઘણા બધા પ્રયાસો કર્યા છે. ઈલેક્ટ્રોનિક વિઝા અને વધુ ઉપભોક્તા અનુકૂળ અરજીની પદ્ધતિઓ રજૂ કરવાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ નિયોજન અને વિઝા અરજી સાથે મોટે ભાગે સંકળાયેલી ઝંઝટ અને અનિશ્ચિતતા દૂર થઈ છે, જે પગલું સંભવિત પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની ગયું છે. આ પરિવર્તનકારી પગલું ઘણા બધા કિસ્સામાં ભારતીયો માટે મલ્ટી-એન્ટ્રી, મલ્ટી-યર ટુરિસ્ટ વિઝાની જોગવાઈ છે. ભારતીય પર્યટકો આજે વારંવાર અરજી કર્યા વિના વર્ષભરમાં ઓસ્ટ્રેલિયાની ગમે તેટલી ટ્રિપનું નિયોજન કરી શકે છે. આને કારણે અગાઉ ઉપલબ્ધ નહોતી તે સાનુકૂળતા અને સુવિધાઓનો સ્તર ભારતીય પ્રવાસીઓને ઉપલબ્ધ થયો છે. આ સાનુકૂળતા ખાસ કરીને વૈવિધ્યપૂર્ણ ઓસ્ટ્રેલિયન નૈસર્ગિક સૌંદર્યમાં લીઝર પ્રવાસ કરવા માગનારા માટે આકર્ષક છે.ફ્લાઈટ કનેક્ટિવિટીની વાત કરીએ તો ભારતીયો માટે સીધી ફ્લાઈટોએ ઓસ્ટ્રેલિયાને વધુ પહોંચક્ષમ બનાવી દીધું છે. તાજેતરમાં એર ઈન્ડિયા દ્વારા મુંબઈથી મેલબર્ન સપ્તાહમાં ત્રણ વાર સીધી ફ્લાઈટ સેવા રજૂ કરાઈ તે આ પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. જોકે આ લેખ પ્રસિદ્ધ થશે ત્યાં સુધી હેતા અને હું મુંબઈથી મેલબર્નના તુલામરીન એરપોર્ટ માટે સીધી ફ્લાઈટમાં હોઈશું. આ નવો રુટ દિલ્હી અને બેન્ગલુરુ જેવાં મુખ્ય ભારતીય શહેરો સુધી મોજૂદ સીધી ફ્લાઈટને પૂરક હોઈ ભારતીય પ્રવાસીઓ માટે પ્રવાસની અત્યંત આસાની પ્રદાન કરે છે. ઉપરાંત આ સીધી ફ્લાઈટને લીધે વધેલી બેઠક ક્ષમતાથી હવાઈભાડાં પર પણ લાભદાયી પ્રભાવ પડ્યો છે. વધુ બેઠકો ઉપલબ્ધ થવાથી એરલાઈન્સ વધુ સ્પર્ધાત્મક ભાડાં ઓફર કરી શકે છે, જેને લીધે ઓસ્ટ્રેલિયા માટે પ્રવાસ ભારતીય વસતિના વ્યાપક વર્ગ માટે વધુ કિફાયતી બની ગયો છે. કિફાયતી ભાડાં વધુ પ્રવાસીઓ માટે દ્વાર ખોલે છે, જેઓ અગાઉ તેમની નાણાકીય પહોંચ ઓછી હોવાથી ઓસ્ટ્રેલિયાનો વિચાર કરતા નહોતા. કનેક્ટિવિટીમાં આ પ્રગતિ ભારતીય પર્યટન બજારના મહત્ત્વના વધતા માનને દર્શાવે છે અને ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે મજબૂત બનતા સંબંધોનો દાખલો છે.હું ઓસ્ટ્રેલિયામાં શું જોવું જોઈએ તે વિશે વિચારું છું ત્યારે ગ્રેટ ઓશન રોડ અને સિડની ઓપેરા હાઉસ સૌથી અગ્રક્રમે આવે છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં ઓછા ખોજ કરાયેલા છતાં તેટલા જ રોમાંચક ભાગો માટે પણ ઉત્સુકતા વધી રહી છે. આવી જ એક ઊભરતી રૂપરેખા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) છે,જે ખાસ કરીને સચિન તેંડુલકર ગેટના ઉદઘાટન પછી ક્રિકેટ શોખીનોમાં વધુ આકર્ષણરૂપબની ગયું છે. સચિનને આ સલામીએ એસસીજીના ભાવનાત્મક મૂલ્યમાં ઉમેરો કરીને ભારતીય ક્રિકેટ ચાહકો માટે તે યાત્રાધામમાં ફેરવાઈ ગયું છે.પર્થ પણ આજે ભારતીય પર્યટકો માટે નવું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પારંપરિક રીતે વધુ પ્રસિદ્ધ પૂર્વીય શહેરોની તરફેણને લઈને અવગણના પામેલું પર્થ હવે શહેરી આધુનિકતા અને નૈસર્ગિક સૌંદર્યના અજોડ સંમિશ્રણ માટે જ્ઞાત છે. ક્રિકેટના ચાહકો માટે અહીં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ડબ્લ્યુએસીએ સ્ટેડિયમ છે. અહીં નિર્મળ દરિયાકાંઠા, વિશાળ બગીચાઓ અને સ્વર્ણિમ સાંસ્કૃતિક દ્રશ્યો છે, જે ભારતીય પર્યટકોને મંત્રમુગ્ધ કરે છે. આ શહેર અન્ય ઓસ્ટ્રેલિયન શહેરોની તુલનામાં ભારતથી વધુ નજીક હોવાથી પણ આ વિશાળ દેશને જોવા માટે આકર્ષક પ્રવેશદ્વાર બની રહે છે. અને ભારત સાથે તેની નિકટતાની વાત કરીએ તો પર્થમાં તમે દરિયાકાંઠે જઈ શકો અને ભારતીય મહાસાગરનાં જળમાં તરી શકો તેવું એકમાત્ર ઓસ્ટ્રેલિયન મુખ્ય શહેર છે.ધ ગ્રેટ બેરિયર રીફ દુનિયાની સૌથી વિશાળ કોરલ રીફ પ્રણાલી તરીકે પ્રસિદ્ધ છે. તે ઓસ્ટ્રેલિયાના મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ છે. તેની વિપુલતામાં અહીં આશરે ૪૦૦ પ્રકારના કોરલ, ૧૫૦૦ જાતિની માછલીઓ અને ૪૦૦૦ પ્રકારના મોલસ્ક્સથી સમૃદ્ધ છે, જે તેને ભૂજળ અજાયબી બનાવે છે. જોકે ગ્રેટ બેરિયર રીફ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર હોવા છતાં ઘણા બધા પ્રવાસીઓએ ક્વીન્સલેન્ડનો વધુ એક અદભુત ભાગ વ્હિટસનડે આઈલેન્ડ્સ ખાતે જવાનું શરૂ કર્યું છે. આ ટાપુ ગ્રેટ બેરિયર રીફના હાર્દમાં સ્થિત અદભુત આર્કિપેલેગો છે, જે આહલાદક સૌંદર્ય અને સાહસનું અજોડ સંમિશ્રણ પ્રદાન કરે છે. આ ટાપુઓમાં હેમિલ્ટન આઈલેન્ડ ખાસ કરીને આકર્ષક સ્થળ છે. હેમિલ્ટન આઈલેન્ડની લોકપ્રિયતા તેની પહોંચક્ષમતા અને તેના વિવિધ પ્રકારના અનુભવોને લીધે છે.એકંદરે આ બધાં કારણો ઓસ્ટ્રેલિયાને ભારતીય પ્રવાસીઓ માટે મલ્ટી-વિઝિટ સ્થળ બનાવે છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો તે રીતે હું ૮ વાર ત્યાં જઈને આવ્યો છું અને આ લેખ પ્રસિદ્ધ થશે ત્યારે હું ઓસ્ટ્રેલિયા જવા માટે મારી ફ્લાઈટમાં હોઈશ, જ્યાં આ વખતે ફક્ત ૭ દિવસની ટ્રિપ છે. અમે મેલબર્નના નવા વિસ્તારો જોવા અને પહેલી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જોવાનું નિયોજન કર્યું છે. તો ઓસ્ટ્રેલિયા માટે મારો પ્રવાસનો સ્કોર ટૂંક સમયમાં જ ૯ અંક પર આવી જશે. તો તમે તમારું ખાતું ક્યારે ખોલાવશો!?
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.