Published in the Sunday Gujarat Samachar on 12 January, 2025
બ્રિજ ઓફ પીસ પર ઊભા રહેવાનું હોય, વાઈનયાર્ડમાં વાઈનના ઘૂંટડા ભરવાનું હોય કે પહાડીઓની પવિત્રતામાં ખોવાઈ જવાનું હોય, જ્યોર્જિયા સાહસ, ઈતિહાસ, ખાદ્ય અને તેથી ઉપરવટ આતિથ્ય સાથે દરેક માટે કશુંક ધરાવે છે.
જે, હું હેતા સાથે જ્યોર્જિયાની અતુલ્ય સફર પછી આ લેખ લખી રહ્યો છું. યુરોપ અને એશિયાના ક્રોસરોડ્સ ખાતે વસેલું જ્યોર્જિયા મારે માટે કોન્ટ્રાસ્ટની ધરતી હતી, જ્યાં પ્રાચીન પરંપરાઓ સહજતાથી આધુનિક જીવન સાથે ભળી જાય છે, જ્યાં સામર્થ્યશાળી કાકેશસ પહાડીઓ ધમધમતાં શહેરોમાં આકાશને આંબે છે અને જ્યાં વાઈન ફક્ત પીણું નથી, પરંતુ તે સાંસ્કૃતિક ખજાનો છે.
તિબિલિસી, કઝબેગી અને કાખેતી થકી મારા પ્રવાસ દરમિયાન આ દેશમાં આતિથ્ય જાણે સ્વાભાવિક છે એવું મહેસૂસ થાય છે,જ્યાં સ્થાનિકો તમારી સાથે પરિવાર જેવો વ્યવહાર કરે છે અને એકત્ર ભોજન હોય કે વાઈનના ઘૂંટડા ભરવાના હોય,દરેક અનુભવ યાદગાર બની જાય છે. આથી આજે હું તમને જ્યોર્જિયાની સેર કરાવવા માગું છું!
તિબિલિસી: જ્યાં જૂનાનું મિલન નવા સાથે થાય છે
તિબિલિસી જ્યોર્જિયાની રાજધાની છે, જે મારો પ્રથમ સ્ટોપ હતો. આ શહેર સ્વચ્છ, હરિત અને સ્વર્ણિમ છે, જે કાકેશસ પહાડીઓથી ઘેરાયેલો છે અને કુરા નદીથી વિભાજિત છે. તિબિલિસીમાં જૂના અને નવાનું ઉત્તમ સંમિશ્રણ છે, જેમાં મધ્યયુગીન કિલ્લાઓ પાતળા કાચના પુલોઅને આધુનિક કેફેની પડખે ઊભા છે.
શરૂઆત કરવા માટે એક સૌથી ઉત્તમ સ્થળ બ્રિજ ઓફ પીસ છે, જે સ્થાપત્યની અજાયબી શહેરના ઐતિહાસિક જૂના નગરને નવા જિલ્લાઓ સાથે જોડે છે. રાત્રે આ પુલ રોશનીથી ઝળહળી ઊઠે છે, જેનું સુંદર પ્રતિબિંબ પાણીની નીચે પડે છે.
જૂના શહેરમાં સાંકડી કોબલસ્ટોન ગલીઓમાંથી પસાર થતી વખતે મને યુરોપિયન પરીકથામાં આવી ગયા હોય તેવું મહેસૂસ થયું હતું.ગલીઓમાં લાલ રંગની ટાઈલની છતો, જીવંત કેફે અને સુવેનિરની દુકાનો કતારબંધ છે, જ્યાં લોકસંગીતકારો પરફોર્મ કરે છે, વાતાવરણ હલકા, કર્ણપ્રિય સૂરથી ખીલી ઊઠે છે. અહીંથી થોડું દૂર ભવિષ્યલક્ષી ઈમારતો અને ધમધમતી બજાર મને તિબિલિસી અત્યંત વર્તમાનનું શહેર છે એવી યાદ અપાવે છે.
અવશ્ય જોવાનું આકર્ષણ મધર ઓફ જ્યોર્જિયા સ્ટેચ્યુ છે, જે શહેરની સન્મુખ ટેકરી પર વસેલું છે. આ સ્ટેચ્યુના એક હાથમાં વાઇનનો બાઉલ છે અને બીજામાં તલવાર છે. વાઈન એ સૂચવે છે કે જો તમે આ દેશમાં મિત્ર તરીકે આવશો તો અમે તમારું વાઈન સાથે સ્વાગત કરીશું, પરંતુ જો તમે શત્રુ તરીકે આવશો તો તલવાર સંકેત આપે છે કે અમે પોતાનું અને અમારી માતૃભૂમિનું રક્ષણ કરવા માટે કાંઈ પણ કરી છૂટીશું. મારે માટે આ સ્ટેચ્યુ જ્યોર્જિયન આતિથ્ય અને સ્થિતિસ્થાપકતાનું શક્તિશાળી પ્રતિક છે.
જ્યોર્જિયન ખાદ્ય
અમે ચિંતા સાથે ટ્રિપ શરૂ કરી કે હેતા અને મને જ્યોર્જિયામાં પૂરતાં શાકાહારી ખાદ્યો મળી રહેશે? હવે અમે જાતે ખાદ્યો અનુભવ્યા છેત્યારે મને કહેવા દો કે અહીંનું ખાદ્ય સક્ષમતાથી વધુ છે. તે જીવન, સંસ્કૃતિ અને સમુદાયની ઉજવણી છે. દરેક ભોજન ટેબલ પર વાટ જોતા સલાડની પસંદગી સાથે શરૂ થાય છે. આ કોઈ સાધારણ સલાડ નથી. તેમાં અખરોટની પેસ્ટ સાથે મિશ્રિત તાજી શાકભાજીઓ હોય છે, જે જ્યોર્જિયન સંસ્કૃતિમાં અનાજની સામગ્રી છે. ખાસ કરીને મેં અખરોટ સાથે બીટરૂટ, પાલક અને ગાજરનું સલાડ માણ્યું, જે સાફસૂથરા નાના રાઉન્ડ્સમાં પીરસવામાં આવે છે. ચીઝ અને હમ્મસથી ભરેલા એગપ્લાન્ટ અને ટમેટા, કાકડી તથા બીન્સ સાથેનું ક્લાસિક જ્યોર્જિયન સલાડ પણ હતું.
સલાડ સાથે પારંપરિક જ્યોર્જિયન બ્રેડ `પૂરી' છે. મને "નાનની યાદ આવી, પરંતુ તે સહેજ સઘન ટેક્સ્ચર ધરાવે છે. ઊની,સુગંધી અને સોસમાં ડિપ કરવા માટે ઉત્તમ પૂરી દરેક જ્યોર્જિયન મિજબાનીની શરૂઆત છે. જોકે પ્રતિકાત્મક જ્યોર્જિયન ડિશખાચાપૂરી વિના જ્યોર્જિયામાં કોઈ ભોજન પૂર્ણ હોતું નથી.
ખાચાપૂરી ચીઝ સાથે ભરેલા બ્રેડનો પ્રકાર છે અને તેમાં અજમાવવા માટે અનેક પ્રાદેશિક વિવિધતા પણ છે. પિગાળેલી ચીઝ સાથે ઈમેરુલિખાચાપૂરી મારી ફેવરીટમાંથી એક હતી. જોકે બાટુમી નજીક એડજારા પરથી નામ મળ્યું છે તે એડજારિયનખાચાપૂરી સ્ટાર હતી. બોટ જેવો આકાર અને ચીઝથી ભરેલી આ પૂરીની ઉપર કાચા ઈંડાનો પીળો ભાગ ભભરાવેલો હોય છે. તે ખાવાની રીત જાણો છો? ઈંડાને ચીઝમાં મિક્સ કરો, તે પછી બ્રેડના ટુકડા કરીને મિશ્રણમાં ડિપ કરો. તે સ્વાદિષ્ટ, તૃપ્ત કરનારું અને દરેક બટકું સુખદ લાગે છે!
કાખેતી: વાઈન સમય જેટલી જૂની છે
જ્યોર્જિયાને મોટે ભાગે વાઈનનું ઘોડિયાઘર તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેશના અવ્વલ વાઈન પ્રદેશ કાખેતીની મુલાકાતકોઈ પણ વાઈન પ્રેમી માટે મહત્ત્વપૂર્ણ છે. જ્યોર્જિયાની વાઈનની પરંપરા ૮૦૦૦ વર્ષ જૂની છે, જે તેને દુનિયામાં સૌથી પ્રાચીન વાઈન ઉત્પાદક પ્રદેશ માંથી એક બનાવે છે. આધુનિક વાઈનરીથી વિપરીત ઘણી બધી જ્યોર્જિયન વાઈન વેવરિસમાં બનાવાય છે, જેમાં મોટું માટીનુંવાસણ જમીનમાં દાટવામાં આવે છે.
સ્થાનિક વાઈનરીમાં વાઈન ઉત્પાદક દ્રાક્ષ, પાન અને થડનો એકત્ર આથો બનાવીને વાઈન બનાવે છે. આ ફિલ્ટર વિનાની વાઈનમાં માટીનો અને સમૃદ્ધ સ્વાદ આવે છે. મને એ પણ જાણવા મળ્યું કે સફેદ દ્રાક્ષ સાથે પરંતુ સંતરાની છાંટ સાથે બનાવવામાં આવેલી અંબર વાઈન જ્યોર્જિયાની વિશિષ્ટતા છે. સ્થાનિકો તેમની વાઈનને ગંભીરતાથી લે છે અને લગભગ દરેક પરિવારનું પોતાનું નાનું વાઈનયાર્ડ અચૂક હોય છે.
કઝબેગી: નિસર્ગપ્રેમીઓ માટે સ્વર્ગ
જો તમને પહાડીઓ જોવાનું અને સાહસ ખેડવાનું ગમતું હોય તો કઝબેગી તમને નિરાશ નહીં કરે. સુંદર જ્યોર્જિયન મિલિટરી હાઈવે પર સ્થિત કઝબેગી માઉન્ટ કઝબેક અને આસપાસ શિખરોનો સુંદર નજારો આપે છે. અહીંથી ડ્રાઈવ સુખદ અનુભવ હતો, જેમાં અનાનુરી કિલ્લો અને ઝિન્વાલી રિઝર્વોયર ખાતે થોભ્યા હતા. આ ટર્કોઈસ સરોવર આકાશનો અરીસો હોય તેવું ભાસે છે.
ટેકરીની ઊંચાઈ પર વસેલું જર્જેટી ટ્રિનિટી ચર્ચ કઝબેગીનું તાજનું ઘરેણું છે. અહીં તીક્ષ્ણ ચઢાણ ચઢીને જવું પડે છે, પરંતુ ટોચ પરથી વિહંગાવલોકન તમારા પ્રયાસોને મૂલ્યવાન બનાવી દે છે. જો તમે હાઈકિંગ પર નહીં જતા હોય તો શિખર પર મજબૂત ઓફફ-રોડ વાહન તમને લઈ જઈ શકે છે.
કઝબેગી આઉટડોરના શોખીનો માટે પણ હબ છે. તમે પહાડીઓ પરથી પેરાગ્લાઈડ કરવા માગતા હોય કે ગુદાઉરીમાં સ્કી કે વ્હાઈટ-વોટર રાફ્ટિંગ કરવા માગતા હોય, આ પ્રદેશ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ઓફર કરે છે. જો તમે શિયાળામાં જાઓ તો ગુદાઉરીનું ઢળાણ તેના પાઉડરી બરફ અને કિફાયતી સ્કીઈંગ માટે પ્રસિદ્ધ છે, જે સાહસિકો માટે તેને લોકપ્રિય સ્થળ બનાવે છે.
સમય અને સંસ્કૃતિ થકી પ્રવાસ
જ્યોર્જિયાની ખૂબી તેની લેન્ડસ્કેપ્સમાં રહેલી છે, પરંતુ તેના સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિમાં પણ તે રહેલી છે. જ્યોર્જિયન આલ્ફાબેટ ૩૩ અજોડ અક્ષરો સાથે દુનિયામાં સૌથી પ્રાચીનમાંથી એક છે. જ્યોર્જિયાની પ્રાચીન રાજધાની માઇન્ટસ્ખેતાની મુલાકાતે મને દેશના વારસાનીઊંડી સમજ આપી. વારી મોનાસ્ટરીથી મેં બે નદીનો સંગમ જોયો, જે જ્યોર્જિયન જીવનમાં ભૂતકાળ અને વર્તમાનના સંમિશ્રણનું પ્રતિક છે.
એકંદરે જ્યોર્જિયામાં અમારો સમય યાદોથી ભરચક બની રહ્યો. બ્રિજ ઓફ પીસ પર ઊભા રહેવાનું હોય, વાઈનયાર્ડમાં વાઈનના ઘૂંટડા ભરવાનું હોય કે પહાડીઓની પવિત્રતામાં ખોવાઈ જવાનું હોય, જ્યોર્જિયા સાહસ, ઈતિહાસ, ખાદ્ય અને તેથી ઉપરવટ આતિથ્ય સાથે દરેક માટે કશુંક ધરાવે છે.
તો તમારી બકેટ લિસ્ટમાં જ્યોર્જિયાને ક્યારે ઉમેરશો? કારણ કે મારો વિશ્વાસ રાખો, જો તમે એક વાર ત્યાં જશો તો નિશ્ચિત જ જીવનની ઉજવણી કરશો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.