નો ડાઉટ, મહિલાઓ પર વધુ જવાબદારી છે અને જવાબદારી વધુ હોવાનું કારણ તે ઝીલવાની તેની ક્ષમતા છે. જવાબદારીથી જીવનમાં આગળ વધતી વખતે જીવનની ખુશી વધારીને આગળ જતાં આવડવું જોઈએ અને આ ખુશીનાં કારણો આપણે પોતે જ શોધવાં જોઈએ. ‘મહિલાઓની ખુશી’ આ વાત મારા માટે સૌથી મહત્ત્વની છે, જેથી ‘પચાસની અંદર સો’નું લક્ષ્ય ઊભું કર્યું છે અને તે સાધ્ય કરવાની સાધનસામગ્રી પણ.
અમે પંદર વર્ષ એકબીજીને ઓળખતાં હતાં. એકદમ ગાઢ બહેનપણીઓ નહોતી, પરંતુ તેના ઘરે મારું એક વાર જવાનું થયું હતું. અચાનક એક દિવસ મારી બહેનપણી શર્મિલા ઠાકરેને તેણીએ પ્રશ્ન પૂછ્યો, ‘શું ચાલે છે? વીણાનાં લગ્ન થઈ ગયાં? તેને બાળકો પણ છે?,’ તેણીનો આ પૂછપરછ કરતા પ્રશ્ન માટે હું સતત જગભ્રમંતી કરતી રહું છું અને વ્યવસાયમાં વ્યસ્ત રહું છું તે કારણભૂત છે. વીસ-પચીસ વર્ષ પૂર્વે આવી લાગણી સ્વાભાવિક હતી. ‘સ્ત્રીને વ્યવસાય અને ઘર આ બંને એકસાથે સંભાળવાનું નહીં ફાવી શકે,’ એવી સમજણ સામાન્ય રીતે હતી, પરિસ્થિતિ પણ કાંઈક એવી જ હતી. માતા-પિતા, સાસુ-સસરા, સુધીર, નીલ, રાજ અને બધા જ કુટુંબીઓએ મને બધી બાજુથી એટલો મજબૂત સપોર્ટ સિસ્ટમ આપી કે છેલ્લાં પાંત્રીસ વર્ષ મારા વ્યવસાયમાં સંપૂર્ણ પરોવાયેલી રહી શકી છું. એટલે કે, ક્યારેક અતિ થઈ જાય છે અથવા સંતાનો પર આપણે અન્યાય કરી રહ્યાં છીએ એવો અફસોસ (ગિલ્ટ) મનમાં ખૂંચે છે, પરંતુ સંતાનોએ પણ મને સમજી લીધી તે મારું સદ્ભાગ્ય છે. કાયમ એવું લાગે છે કે આપણે નિ:સ્વાર્થ મનથી એકાદ પ્રામાણિક ઈચ્છા રાખીએ અને તે માટે મન:પૂર્વક પ્રયાસ કરીએ તો તમે તમારું ઈચ્છિત લક્ષ્ય સાધી શકો છો અને તે સાધ્ય કરવા માટે આજુબાજુની પરિસ્થિતિ પણ તમને સાથ આપે છે. મારા બોલીવૂડ પ્રેમી, ફિલ્મી મનને ડાયલોગ યાદ આવ્યો, ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મનો, "કહતે હૈ અગર કિસી ચીજ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસસે તુમસે મિલાને કી કોશિશ મે લગ જાતી હૈ... આ ડાયલોગ ભલે ફિલ્મી હોય, પરંતુ તમે બધાએ જીવનમાં તેન અનુભવ લીધો જ હશે. મારા પણ મનના ખૂણામાં આવી જ એક ઈચ્છા હતી, ‘વ્યવસાય અને ઘર-કુટુંબ આ બંને આપણને ફાવવાં જોઈએ. ઘર તોડીને વ્યવસાય નહીં કરવાનો અને વ્યવસાય છોડીને ઘરમાં બેસવાનું નહીં’ અને તે ફાવી ગયું. અર્થાત, તેનું શ્રેય વધુમાં વધુ આપ્તજનોને જતું હોવા છતાં તે સાકાર થયું, પરિસ્થિતિ સાથ આપતી ગઈ તે મહત્ત્વનું છે. કહેવાનો મુદ્દો એ છે કે આપણા મનમાં જો એકાદ આવી સુપ્ત ઈચ્છા ધરબાઈ રહેલી હોય તો તેને બહાર આવવા દઈએ, તે માટે ગભરાવાની જરૂર નથી. બધું શક્ય છે, ખાસ કરીને કોઈ પણ વિધાયક ઈચ્છા પૂર્ણ થવા માટે પરિસ્થિતિ આપોઆપ અનુકૂળ બનતી જાય છે અને અમુક વર્ષ પછી પાછળ વળીને જોઈએ તો ચમત્કાર સર્જાયો હોય તેવું મહેસૂસ થાય છે. ‘સો લેટ્સ એઈમ ટુવર્ડસ સમથિંગ મિનિંગફુલ ઈન લાઈફ, થિંગ્ઝ વિલ હેપન!’
પર્યટન ક્ષેત્રમાં મારું આ પાંત્રીસમું વર્ષ છે. એકાદ ક્ષેત્રમાં આટલાં વર્ષ તમે જ્યારે ખુશીથી કાર્યરત હો છો ત્યારે તમારા વિચાર, કૃતિ, આદતો આ બધું તેની સાથે જ જોડાતા જાય છે. બિઝનેસ માઈન્ડ, માર્કેટિંગ, ઈનોવેશન્સ... તેમાંથી પર્યટનમાં અલગ અલગ ઘડાતું ગયું. આ લેખમાળા પણ તેનું જ પરિણામ છે, પરંતુ છેલ્લાં વીસ વર્ષ તેમાંથી જ તો તમારી સાથે સંવાદ ટકી રહ્યો છે. ઈનોવેટિવ આઈડિયાઝમાંથી વુમન્સ સ્પેશિયલની સંકલ્પના આવી, એકદમ લાર્જ સ્કેલ પર તેનું આયોજન થઈ રહ્યું છે. ભારતમાં જ નહીં પણ દુનિયામાં ક્યાંય પણ મહિલા પર્યટનની આ ચળવળ આટલા મોટા પ્રમાણમાં વધી શકી નહીં. ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યા પરંતુ તેમાં સાતત્યતા રાખવી તે મહત્ત્વનું હોય છે. આ જ રીતે એકાદ બિઝનેસ વર્ટિકલ હોય તો તેમાં અમારી આખી ટીમના મન:પૂર્વક પ્રયાસ હોય છે તે વર્ષોવર્ષ વધતા જ જાય છે. છેલ્લાં બાર વર્ષ, એટલે કે, એક તપની આ તપશ્ચર્યા છે. નવેમ્બરે બે હજાર છમાં અમે તેનાં શ્રીગણેશ કર્યાં હતાં. વીણા વર્લ્ડ થયા પછી પણ પહેલી સહેલગાહ એટલે કે, શુભારંભ આ વુમન્સ સ્પેશિયલ સહેલગાહથી જ થયો અને તે પછી તો અમે અને મહિલાઓએ પાછળ જોયું જ નહીં. એકદમ આત્મવિશ્વાસથી અને ખુશીથી-વીણા વર્લ્ડ પર વિશ્વાસ રાખીને મહિલાઓ, અમેરિકાથી સ્કેન્ડિનેવિયા સુધી અને લેહથી આંદામાન સુધી રીતસર જગભ્રમંતી કરી રહી છે, પોતાની અંદર ટ્રાન્સફોર્મેશન લાવી રહી છે. ‘વિદેશ પ્રવાસ કરવાથી, મૈત્રી વધે છે, ચાતુર્ય આવે છે’ તેનો અનુભવ કરી રહી છે.
‘સી ધ વર્લ્ડ’ અને ‘સેલિબ્રેટ લાઈફ’ આ વીણા વર્લ્ડની ટેગલાઈન્સ છે. અલગ અલગ સમયે અમારી જાહેરાતોમાં અમે તે ઉપયોગ કરીએ છીએ. વુમન્સ સ્પેશિયલ માટે મેં આ બંનેનો એકત્રિત રીતે ઉપયોગ કર્યો અને તેનો ઉપયોગ કરવાનું મન થયું. ‘સી ધ વર્લ્ડ એન્ડ સેલિબ્રેટ લાઈફ.’ હું અને અમારી મહિલાઓ તે પ્રમાણે એક્ચ્યુઅલી જીવન જીવતાં જોવા મળે છે. દુનિયા સુંદર છે અને દરેક મહિલાના સૌંદર્યને તે વધુ ખીલવે છે, પછી તે કોન્ફિડન્સ બિલ્ડિંગની બાબતમાં હોય, આચાર- વિચાર-આદતોમાં હોય, પહેરવેશમાં હોય કે બોલવા-ચાલવામાં હોય. છેલ્લાં બાર વર્ષમાં મેં ટ્રાન્સફોર્મેશન જોયું છે. મારી પોતાની અંદર પણ બહુ સારા બદલાવ આવ્યા છે આ પર્યટનને લીધે તે મેં જાતે અનુભવ્યું છે. પર્યટન મારું ઘડતર કરે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને મારી સાથે વુમન્સ સ્પેશિયલમાં આવતી મહિલાઓને પણ. આ વધુ એક બાબતમાં હું બહુ ભાગ્યશાળી છું, કારણ કે નવેસરથી વીણા વર્લ્ડ શરૂ કરવાનો યોગ આવ્યો ત્યારે મહારાષ્ટ્ર જ નહીં પણ ભારતભરની મહિલાઓએ મનોમન શુભેચ્છાઓ અને સદિચ્છાઓ આપીને અમારું મનોબળ વધાર્યું. મહિલાઓ જ્યારે મહિલાઓને સપોર્ટ કરે છે ત્યારે વીણા વર્લ્ડ જેવું કાંઈક ઊભું કરવામાં મદદ થાય છે તે વાસ્તવિકતા છે અને તેથી જ વુમન્સ સ્પેશિયલમાં અમે એક વાત એકબીજીને કહીને પાક્કું નક્કી કર્યું કે ‘આપણા ઘરમાં જો કોઈ મહિલા, પછી તે પૌત્રી-દાદી-માતા-સાસુ-પુત્રવધૂ-દીકરી-નણંદ-જેઠાણી-બહેનપણી... ગમે તે હોય, કોઈ પણ ઉંમરની હોય, તેણે જો કાંઈક નવેસરથી એકાદ નાનો-મોટો બિઝનેસ કરવાનું નક્કી કર્યું અથવા કોઈક અલગ માર્ગ પકડવાનું નક્કી કર્યું તો તેને મન:પૂર્વક ટેકો આપીને અને જે પણ મદદ જોઈએ તે પણ કરીએ.’
સારું શિક્ષણ, ઘર, સંસાર, સંતાનો, કુટુંબ અને તેમાંના દરેકના સર્વાંગીણ વિકાસમાં મહિલાઓનું યોગદાન નિશ્ચિત જ વધુ હોય છે. તે પ્રાયોરિટી છે અને આજના યુગમાં મોટી સંખ્યામાં મહિલાઓ તે જવાબદારી ઉત્તમ રીતે પાર પાડી રહી છે. પર્યટન-હરવુંફરવું-જગભ્રમંતી આ બધી બાબતો તે પછી આવે છે. અને તે વાજબી પણ છે. પર્યટનને કાયમ જ છેલ્લી પ્રાયોરિટી, ખાસ કરીને મહિલાઓ તરફથી. પરંતુ અહીં જ મારું ઓબ્જેકશન છે. પર્યટન એ વ્યવસાય છે તેથી નહીં પરંતુ પર્યટનની ખુશીથી મહિલાઓમાં આવેલું રિજ્યુવિનેશન મેં જોયું છે, તે ખુશીને પાછળ ઠેલવાનું મને માન્ય નથી. એટલે કે, ‘સંતાનો નર્સરીમાં ગયા પછી આપણે ક્યાંક ફરવા નીકળીશું,’ ‘એક વાર ચોથીની સ્કોલરશિપ પૂરી થઈ એટલે ક્યાંક જઈશું,’ ‘એક વાર દસમું પૂરું થાય એટલે નક્કી,’ ‘કોલેજનું છેલ્લું વર્ષ છે, તે પૂરું થાય એટલે બસ,’ ‘એક વાર સંતાનનાં લગ્ન થાય એટલે છૂટ્યાં, પછી આખી દુનિયામાં ફરવાનું જ છે...’ યાદ કરીને તો જુઓ તમારા ઘરનો ડાયલોગ. આપણા બધાનાં ઘરોમાં થોડા ફરક સાથે આ આવું જ ચાલી રહ્યું છે. દુનિયા મલ્ટીટાસ્કિંગની છે, સાઈમલ્ટેનિયસ્લી કામો કરવાની છે. ટેકનોલોજીએ જીવન એકદમ સુખમય બનાવી દીધું છે. હવે ફક્ત પર્યટનની જ નહીં પણ કોઈ પણ બાબતમાં ‘ધકેલપંચા-પ્રોક્રેસ્ટિનેશન’ પર આપણે અંકુશ લાવવો જ જોઈએ. ‘ઈફ ઈટ ઈઝ ગૂડ-ડુ ઈટ નાઉ’ તે આપણે દરેકે આચરણમાં લાવવું જોઈએ.
મહિલા બહેનપણીઓને એક જ કહેવાનું છે કે ‘વર્ષના ફક્ત આઠ દિવસ આપો અને પોતાની અંદર ફરક જુઓ.’ એકલી કઈ રીતે જાઉં? ઘરના શું કહેશે? સંતાનોને છોડીને એકલીએ મજા કરવાની, નહીં રે બાબા... આવું નહીં સારું લાગે? આ પ્રશ્નો વાજબી છે અને તે તમને પડી પણ શકે છે. જોકે છેલ્લાં બાર વર્ષમાં અમે જે પણ થોડા પ્રયોગો કરતાં રહ્યાં છીએ તેના પરથી અમે જોયું છે કે ઘરના-પાડોશીઓને અગાઉ ટોણો મારનારા મિત્રો-બહેનપણીઓને પણ ખ્યાલ આવી ગયો છે કે મહિલાઓને પર્યટનની કેટલી જરૂર છે. હવે તો બહેનપણીઓ, સાસુ-પુત્રવધૂ, પાડોશીઓ બધા જ ગ્રુપમાં આવી રહ્યાં છે. વર્ષમાં કમસેકમ આઠ દિવસ પોતાને આપવાનું મસ્ટ છે. યાદ કરો, ક્યારેય આ રીતે સંપૂર્ણ સમય પોતાને આપ્યો છે? ક્યારેક પોતાની જોડે જ ગપ્પાં માર્યાં છે? બધા પર વહાલ કરતાં કરતાં પોતાની પર વહાલ કરવાનું ભૂલી જ જવાયું છે. જીવનની દોડધામમાં પોતાની પાસે જોવાનો પણ સમય મળ્યો નહીં. કોલેજમાંનો ફોટો અને આજની હું. આટલો ફરક ક્યારે પડી ગયો તે મને જ સમજાયું નહીં. ઘર પર મહેનત લીધી, લઈ રહી છું અને લેતી રહીશ તેમાં કોઈ અપવાદ નહીં, પરંતુ હવે સાઈમલ્ટેનિયસ્લી મને મારી પર મહેનત કરવી છે. ટૂંકમાં મને મારી પર વહાલ કરવાનું શીખવું છે. મારું વજન, મારું મન:સ્વાસ્થ્ય, મારી તબિયત અને મારી ખુશી પણ મારી પ્રાયોરિટીઝ છે. શિક્ષણ મહત્ત્વનું છે તેટલી જ ખુશી પણ. કહેવાય છે ને, ‘દીકરી ભણી એટલે પ્રગતિ થઈ.’ હું તેથી આગળ વધીને કહું છું, ‘દીકરી આનંદિત થાય તો ઘર આનંદિત થશે.’
સ્ત્રીઓની ખુશીનાં-એચિવમેન્ટનાં અનેક કારણો છે. તેમાંથી એક પર્યટન છે. જો સ્ત્રી પર્યટન આટલું મહત્ત્વનું હોય તો એક જવાબદાર પર્યટન વ્યાવસાયિક તરીકે સસ્ટેનેબલ ટુરીઝમ એક લક્ષ્ય છે તે જ રીતે મહિલા પર્યટન માટે લોન્ગ ટર્મ ગોલ નિર્માણ કરવાની ફરજ છે. પર્યટનના ફાયદા ધ્યાનમાં આવ્યા પછી ‘સમાજની કોઈ પણ સ્તરની મહિલાઓને પર્યટન કરતાં ફાવવું જોઈએ,’ તે વીણા વર્લ્ડનો ધ્યેય છે. અને તે માટે જ આજે સર્વ મહિલાઓ બાબતમાં એક લક્ષ્ય સામે મૂકવાનું મન થાય છે, તે છે, ‘પચાસની અંદર સો’ પાર કરીએ. આ મોટું લક્ષ્ય છે. અને લક્ષ્ય કાયમ મોટું રાખવું જોઈએ. ભગવાન પાસે કાંઈક મોટું જ માગવું જોઈએ, પ્રયાસ કરવામાં આવે તો એંશી ટકા તો હાંસલ થઈને જ રહે છે. વીણા વર્લ્ડ શરૂ થઈ ત્યારે ચંદ્ર પર સહેલગાહ લઈ જવાની ઈચ્છા રાખી હતી. આજે પણ છે અને કેમ નહીં હોવી જોઈએ? સપનાં જોવામાં કંજૂસી નહીં કરવી જોઈએ. અને કહેવામાં આનંદ થાય છે કે ચંદ્ર પર સહેલગાહ લઈ જવાનું હવે શક્ય બન્યું છે. અસાધ્ય તે સાધ્ય આ રીતે થાય છે. હવે ‘પચાસની અંદર સો’ એ ચોક્કસ શું છે તે આગામી રવિવારે જોઈશું.
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.